ગઢચિરોલીઃ મહારાષ્ટ્ર દિને પહેલી મેએ ગઢચિરોલીના જાંબુરખેડા ગામમાં નક્સલી હુમલામાં ૧૬ જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા સી-૬૦ ટીમના ૧૬ જવાન શહીદ થયાં હતા. સવારે સાડા અગિયાર વાગ્યે ક્વિક રિસ્પોન્સ ટીમ સી-૬૦ના જવાન વાહન દ્વારા કુરખેડા થઈને આગળ જઈ રહ્યા હતા. કુરખેડાથી ૬ કિ.મી.ના અંતરે જાંભુરખેડા ગામ નજીકના પુલ પર જવાનોનું ખાનગી વાહન પહોંચતા જ નક્સલીઓએ આઈઈડી સ્ફોટ કર્યો હતો.
આ હુમલામાં ડ્રાઇવરનું પણ મોત થયું હતું. આ વિસ્તારમાં કુલ ૨૦૦ નક્સલવાદીઓ છુપાઈને બેઠા હોવાની જાણકારી મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક પ્રગટ કરીને હુમલાનો જવાબ આપવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે નક્સલવાદીઓએ વહેલી સવારે ૩ વાગ્યે કુરખેડા તાલુકામાં દાનાપુર ખાતે નેશનલ હાઇ-વેના કામના બે સ્થાનિક કાર્યાલય સળગાવી નાંખ્યા હતા. ઉપરાંત ખાનગી કોન્ટ્રાક્ટરોના ઓછામાં ઓછા ત્રણ ડઝન વાહનો સળગાવી નાખ્યા હતા. એમાં બે જેસીબી, ૧૧ ટિપ્પર, ડીઝલ અને પેટ્રોલ ટેન્કર, રોલર્સ, જનરેટર વેન સામેલ હતા. ગઢચિરોલીમાં જે વાહનોને નક્સલવાદીઓએ નિશાન બનાવ્યું હતું એમાં મોટાભાગના અમર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હતા, જે દાદાપુર ગામ પાસે એનએચ ૧૩૬ના પુરાદા-યેરકાડ સેકટર માટે નિર્માણ કાર્યોમાં વ્યસ્ત હતા. ઘટનાસ્થળેથી ભાગતા અગાઉ નક્સલીઓએ ગયા વર્ષે પોતાના સાગરીતોના મોતની નિંદા કરતા પોસ્ટરો અને બેનરો લગાવ્યા હતા. સી-૬૦ ટીમ આ ઘટનાસ્થળે ચકાસણી કરવા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.