મહારાષ્ટ્ર પછી મધ્ય પ્રદેશના રાજકારણમાં મડાગાંઠ

Wednesday 27th November 2019 06:08 EST
 
 

ભોપાલ: મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ ઉકલી નથી ત્યાં મધ્ય પ્રદેશમાં નવા રાજકીય સમીકરણો રચાતા હોવાની વાત સામે આવી છે. મધ્ય પ્રદેશના ગુનાના પૂર્વ સાંસદ અને રાજ્યના મહત્ત્વના કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર પ્રોફાઈલમાં ફેરફાર કર્યો છે.
આ ફેરફાર ૨૫મી નવેમ્બરે દિવસભર રાજકીય ચર્ચાનું કારણ બન્યો હતો. અગાઉ પોતાના ટ્વિટર પ્રોફાઈલમાં સિંધિયાએ પોતે ગુનાના પૂર્વ સાંસદ, કેન્દ્રમાં પૂર્વ પ્રધાન વગેરે વિગતો લખી હતી. હવે ઓળખમાં ક્રિકેટ પ્રેમી અને પ્રજાના સેવક એવા શબ્દો જ વાપર્યા છે.
સિંધિયાની ઓળખમાંથી તેમણે કોંગ્રેસ પક્ષનું નામ પણ હટાવી દીધું છે. મધ્ય પ્રદેશમાં ૨૦૧૮માં કોંગ્રેસની સરકાર આવ્યા પછી મુખ્ય પ્રધાન પદ માટે કમલનાથ સાથે જ્યોતિરાદિત્ય પણ દાવેદાર ગણાતા હતા. એક તબક્કે એ જ મુખ્ય પ્રધાન બનશે એવુ નક્કી ગણાતુ હતું, પરંતુ કમલનાથને મુખ્ય પ્રધાન બનાવાતા સિંધિયા અને તેના સમર્થકો નારાજ હોવાની વાત ત્યારે વહેતી થઈ હતી. સિંધિયાએ ટ્વિટરમાં ફેરફાર કર્યા પછી ફરીથી એ વાત સપાટી પર આવી છે.
જ્યોતિરાદિત્ય કોંગ્રેસથી અલગ પડીને કંઈક નવા-જૂની કરવાના મૂડમાં છે કે કેમ એ વાતે જોર પકડયું હતું. કેમ કે જ્યોતિરાદિત્યના આ ફેરફાર ઉપરાંત મધ્ય પ્રદેશના ૨૦ ધારાસભ્યો ક્યાંક ગુમ થયા હોવાના અહેવાલો આવ્યા હતા. જે ધારાસભ્યો ગુમ છે એ બધા સિંધિયાની નજીકના છે એવી પણ વાત વહેતી થઈ હતી.
જોકે આ બન્ને વાત અફવા હોવાનું સિંધિયાએ જણાવ્યું હતું. સિંધિયાએ કહ્યું હતું કે ટ્વિટર પર મારી ઓળખ બહુ લાંબી થઈ જતી હતી. એ ટૂંકાવવા માટે મેં ફેરફાર કર્યો હતો. વળી આ ફેરફાર મહિના પહેલા કર્યાં છે. આજે તેને લઈને શા માટે હોબાળો મચ્યો છે?
૨૦ ધારાસભ્યો ગુમ હોવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે ગુમ થયેલા ધારાસભ્યોના નામ આપો. મારા મતે કોઈ ગુમ નથી. બધા ધારાસભ્યો પોતાની રીતે પોતાનું કામ કરે છે. આ તો કોઈએ ઉપજાવી કાઢેલી વાતો છે.
કમલનાથ-સિંધિયા વચ્ચે મતભેદ?
જ્યોતિરાદિત્ય રાહુલ ગાંધીના નજીકના નેતા છે. ૨૦૧૮માં તેમને મુખ્ય પ્રધાન બનાવવા માટે વિચાર થયો હતો, પરંતુ એ પદ છેવટે કમલનાથને અપાયુ. સિંધિયાની એ મુદ્દે નારાજગી છૂપી નથી. સિંધિયાની નજીકના છે એ લોકોનું કહેવું છે કે કમલનાથ અને સિંધિયા વચ્ચે ખાસ મનમેળ નથી. બીજી તરફ કલમ-૩૭૦ હટાવાના મુદ્દે પણ સિંધિયાએ પોતાનો અલગ મત રજૂ કરી મોદી સરકારના નિર્ણયની પ્રસંશા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter