મહારાષ્ટ્ર રાજકારણમાં ગૂંચ વધીઃ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું

Wednesday 13th November 2019 06:50 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણનું કોકડું સતત ગૂંચવાતું જ જાય છે. વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના ૧૯ દિવસ સુધી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ ચાલી અને અંતે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. રાજ્યપાલ દ્વારા આ ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલાઈ હતી. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ શાસન દૂર્ભાગ્યપૂર્ણ છે. અમને આશા છે કે રાજ્યને ટૂંક સમયમાં સ્થિર સરકાર મળશે. ઉલ્લેખનીય છે કે ભાજપના તેના દેવન્દ્ર ફડણવીસે પાંચ વર્ષ અને એક સપ્તાહ પછી આઠમીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું અને વિધાનસભા ચૂંટણીઓમાં મહાયુતિને સરકાર રચવાનો જનાદેશ મળ્યો છતાં સાથી પક્ષ શિવસેનાએ સરકારની રચનામાં અવરોધ ઊભો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ બેઠક બોલાવી હતી
બ્રાઝિલ બ્રિક્સની સમિટમાં જતા પહેલાં વડા પ્રધાન મોદીએ પણ મહારાષ્ટ્ર મુદ્દે કેબિનેટની બેઠક બોલાવી હતી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સૌપ્રથમ સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ ભાજપે સરકાર બનાવવાની ઈચ્છા જાહેર ન કરી. ત્યાર પછી શિવસેનાને આમંત્રણ આપ્યું, પરંતુ શિવસેનાએ ૨ દિવસનો સમય માગ્યો હતો. રાજભવને આટલો સમય આપવાનો ઈનકાર કર્યો. ત્યાર પછી રાજ્યપાલે ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
વિવિધ માગણીઓ ઉપર સહમતી અટકી?
સોમવારે સવારે શિવસેના, ભાજપ, કોંગ્રેસ અને એનસીપી દ્વારા બેઠકોની દોર શરૂ કરવામાં આવ્યો હતો. દિવસભર ચાલેલી વિવિધ બેઠકો અને મુલાકાતોના અંતે સાંજે ત્રણેય વચ્ચે સહમતી સધાઈ હોવાનું સામે આવ્યું હતું, પણ અધિકારિક રીતે કોઈ જાહેરાત કરાઈ નહોતી. સૂત્રોના મતે કોંગ્રેસ અને એનસીપીએ બે નાયબ મુખ્ય પ્રધાન પદ અને પ્રધાનમંડળમાં સ્થાન માગ્યું હોવાના અહેવાલ હતા. કોંગ્રેસ દ્વારા સ્પીકર પદની પણ માગ કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. કોંગ્રેસ અને એનસીપીની વિવિધ માગણીઓના કારણે ત્રણેય વચ્ચે સહમતી અટકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ ટોચના નેતાઓનું માનવું હતું કે હિંદુત્વવાદી પાર્ટી શિવસેના સાથે કોંગ્રેસની વિચારધારાનો મોટો મતભેદ છે. આ રીતે તેની સાથે સત્તા માટે જોડાણ કરી શકાય નહીં.
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ સરકારની રચના માટે કોંગ્રેસી કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી અને રાષ્ટ્રપતિ શાસન લદાયા પછી શિવસેનાએ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પણ સુનવણી ન થઈ શકી ત્યારે શિવસેનાએ ચીમકી આપી કે તે બીજી વખત મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે અરજી દાખલ કરશે. મહારાષ્ટ્રમાં અગાઉ રાજકીય ઘમાસાણને લઇને કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ બેઠક કરી હતી. બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં પ્રફુલ પટેલે કહ્યું કે એનસીપીને સત્તાવાર રીતે ૧૧મી નવેમ્બરે શિવસેનાએ જાણ કરી હતી. આ સંદર્ભે બંને પક્ષોમાં સંમતિ થયા બાદ આગળની નીતિ નક્કી કરવામાં આવશે. તેવું જણાવાયું હતું.
રાષ્ટ્રપતિ શાસન લદાતાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યું કે ભાજપે લોકતંત્રની મજાક ઉડાવી છે. તેમણે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું પાલન કર્યું નથી. રાજ્યપાલે પહેલા ભાજપ પછી શિવસેના અને એનસીપીને આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોંગ્રેસને હજુ સુધી આમંત્રણ મળ્યું જ નથી જેની હું નિંદા કરું છું. આ મુદ્દે અમે વાતચીત કરીને સંમતિ થશે તો શિવસેનાનો સંપર્ક કરીશું.
જોકે ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું કે, આ મુદ્દે તેમણે સોનિયા ગાંધીને ફોન કર્યો હતો. સોનિયા ગાંધીએ એનસીપી વડા શરદ પવાર સાથે પણ ચર્ચા કરી હતી. અગાઉ મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા શિવસેનાને ટેકો આપવા માટે સોનિયા ગાંધીને સૂચન કરાયુ હતું. કહેવાય છે કે ૪૪માંથી ૩૭ ધારાસભ્યો શિવસેના સાથે જોડાવા તૈયાર હતા.
અમને સમય જ ન અપાયોઃ ઉદ્ધવ ઠાકરે
શિવસેમના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, અમે સરકાર રચવા કોંગ્રેસ અને એનસીપીને વિનંતી કરી હતી, પરંતુ રાજ્યપાલે અમને સમય આપ્યો નહીં. અમે સરકાર હજુ પણ બનાવી શકીએ છીએ. જે કોમન મિનિમમ પ્રોગ્રામની વાત છે તે પણ અમે કરી શકીએ છીએ. ઉદ્ધવ ઠાકરેએ તેમના ધારાસભ્યો અને નેતાઓને કહ્યું કે રાષ્ટ્રપતિ શાસનથી ચિંતા કરવાની જરૂર નથી, વાતચીત હજુ ચાલુ છે. ઉદ્ધવે કહ્યું કે, અમે ભાજપ સાથે જવાનો વિકલ્પ પણ ખતમ નથી કર્યો, પણ ભાજપે તેના પર પૂર્ણવિરામ મૂક્યું છે. હજુ અમારી પાસે છ મહિનાનો સમય છે. જો ભાજપ અલગ અલગ વિચારધારા વાળી પાર્ટીઓ સાથે સરકાર બનાવી શકતી હોય તો મહારાષ્ટ્રમાં કેમ નહીં?
શિવસેનાની સુપ્રીમમાં અરજી
સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા પોતાને ત્રણ દિવસનો સમય ન આપવાના મુદ્દાને લઈને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો છે. શિવસેનાના વકીલે અગાઉ એવી પણ વાત કરી હતી કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તો શિવસેના તેને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી કરશે. આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગ, અહેમદ પટેલ અને કે સી વેણુગોપાલ એનસીપીના નેતા શરદ પવારને મળવા મુંબઈ પણ પહોંચી ગયા હતા. જોકે શિવસેનાની અરજી પર ૧૨મીએ સુપ્રીમ કોર્ટમાં સુનવણી ન થઈ જેથી શિવસેના દ્વારા ફરી વખત અરજી કરવાનું જાહેર કર્યું હતું.
સિબ્બલ સુપ્રીમમાં શિવસેના તરફથી લડશે?
ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાતચીત કરી છે. માનવામાં આવે છે કે સિબ્બલ શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી શકે છે.
સત્તાની લાલસામાં ૩૦ વર્ષ જૂનો નાતો તૂટ્યો
રાજકીય નિષ્ણાતો પ્રમાણે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદ મેળવવાની જીદે શિવસેનાએ સરકાર રચવા આખરે ૩૦ વર્ષ જૂના સાથી પક્ષ ભાજપ સાથે છેડો ફાડયો છે. કટ્ટર હિન્દુવાદી વિચારધારા ધરાવતા બે પક્ષ ભાજપ અને શિવસેનાની ૩૦ વર્ષ જૂની દોસ્તી તૂટી છે. એક સમય એવો હતો જ્યારે ૧૯૮૦માં શિવસેનાએ કોંગ્રેસ સરકારને ટેકો આપ્યો હતો અને કટોકટીકાળને પણ સમર્થન આપ્યું હતું. ૧૯૯૯ પછી શિવસેનાનું વર્ચસ્વ સતત ઘટયું હતું જ્યારે ભાજપનો હાથ ઉંચો રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter