મહારાષ્ટ્રમાં 100 એકરમાં સાકાર થશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’

5 હજારથી વધુ અનાથ બાળકો, નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગોને જીવનભર આશરો મળશે

Tuesday 03rd November 2026 11:09 EST
 
 

મુંબઇઃ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય સ્થાપશે, જે અનાથ બાળકો, સીનિયર સિટિઝન, દિવ્યાંગ સહિતના લોકો માટે જીવનભરનો આશરો બનશે. અહીં તેમને માનભેર જીવન જીવવાથી લઈને તમામ પ્રકારની સંભાળ, આરામદાયક અનુભૂતિ અને જીવન જીવવાનો ઉદ્દેશ પણ મળશે. તેમને વિશ્વસ્તરની હેલ્થકેર સવલતો પણ મળશે અને વ્યક્તિગત વિકાસના અવસર પણ મળશે.
આ અનોખી વસાહતમાં 5 હજારથી વધુ લોકોને જીવનભર માટે ઘર મળશે. મુંબઈ નજીક કરજતમાં આશરે 100 એકરમાં બનનારા આ પરિસરનું નામ ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ હશે. રવિવારે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી તથા ડાયરેક્ટર ઈશા અંબાણીએ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરી શિલાન્યાસની તકતીનું અનાવરણ કર્યું હતું. અહીં રહેનારા લોકોને દર્દી કે આશ્રિત નહીં, પરંતુ પરિવારના સભ્ય માનવામાં આવશે. નાના-નાના ઘર હશે. દરેક ઘરમાં દેખભાળ રાખનારા કર્મચારીઓ રહેશે. પરિસરમાં હોસ્પિટલ, સ્કૂલ, મંદિર, બગીચો, મેદાન અને રોજગારના કેન્દ્રો પણ હશે.
ભૂમિપૂજન સમારંભને સંબોધતાં નીતા અંબાણીએ કહ્યું હતું કે ‘મારા માટે અને મારા પરિવાર માટે નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય અમારા હૃદયમાં વસે છે. દિવ્યાંગ લોકો, ઘરવિહોણા બાળકો અને સીનિયર સિટિઝન કે જેઓ યોગ્ય સંભાળ અને આરામદાયક જીવન ઈચ્છે છે તેમના માટે એક પ્રેમાળ આશ્રયનું નિર્માણ કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે.’
નીતા મુકેશ અંબાણી અનંત આશ્રયની કલ્પના એક સુઆયોજિત અને સર્વસમાવેશક ટાઉનશિપ તરીકે કરાઇ છે, જે 5,000થી વધુ રહેવાસીઓને આજીવન ઘર પૂરું પાડશે. તેમાં દિવ્યાંગ લોકો, અનાથ બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થશે. તેમની સંભાળ રાખનારાઓ, મેડિકલ પ્રોફેશનલ્સ, સહાયક કર્મચારીઓ અને તેમના પરિવારો સહિત આ નગર આશરે 15,000 લોકોના સમુદાયને આવરી લેશે તેવો અંદાજ છે.
પેરેન્ટ્સને તેમના સંતાનની ચિંતા નહીં રહે...
નીતા અંબાણીએ કહ્યું, આ પ્રોજેક્ટ મારા અને પરિવારના દિલની ખૂબ જ નજીક છે. અમે એવું ઘર બનાવવા માગીએ છીએ, જ્યાં દિવ્યાંગો, જરૂરિયાતમંદ બાળકો અને વૃદ્ધોને પરિવાર જેવો પ્રેમ મળે. એક માતા હોવાના નાતે મારી સૌથી મોટી આશા છે કે જે પેરેન્ટ્સે આખી જિંદગી એવું વિચારીને ચિંતા કરી છે કે તેમના પછી બાળકોની દેખભાળ કોણ કરશે, તેમને એવો ભરોસો મળે કે તેમના બાળકો પાસે હંમેશા પરિવાર રહેશે.
આઠ ગામ, તમામના નામ દેશની નદીઓ પરથી
પરિસર આઠ રહેણાંક ગામોમાં વહેંચાયેલું હશે. ગામના નામ પવિત્ર નદીઓ પરથી રાખવામાં આવશે. દરેક રહેવાસી માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, કૌશલ્ય અને રોજગારની યોજના બનશે.
ઓટિઝમથી લઈને આંચકી સુધીની સારવાર
હોસ્પિટલમાં ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, વાઈ/આંચકી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોની દેખભાળ કરાશે. વનતારાની મદદથી પશુઓ સાથે સમય વિતાવવા ફાર્મ બનાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter