પૂણેઃ પહેલી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવમાં ભીમા નદી નજીક ઉત્તર-પૂર્વમાં યુદ્ધ ખેલાયું હતું. લડાઈમાં પેશવા સામે અંગ્રેજો તરફથી ૪૫૦ મહારો હતાં, જ્યારે સામા પક્ષે પેશવા બાજીરાવ બીજાના ૨૮૦૦૦ પેશવા સૈનિકો હતાં. યુદ્ધમાં અંગ્રેજ વતી લડતા ૫૦૦ જેટલા સૈનિકોએ ૨૮૦૦૦ની મરાઠા ફોજને પરાજય આપ્યો હતો. તેથી મહાર સૈનિકોને તેમની વીરતા અને સાહસ બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભીમા કોરેગાંવમાં મહારોનું સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક પર મહારોના નામ લખવામાં આવ્યાં હતાં. વર્ષોથી ભીમા કોરેગાંવના આ યુદ્ધને લઈને મહારાષ્ટ્રના દલિતો ઉજવણી કરતા આવ્યા છે. આ ઘટનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થવા આવ્યા તેથી સોમવારે કોરેગાંવ ભીમામાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા (આઠવલે) દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન ગિરીશ બાપટ, ભાજપના સાંસદ અમર સાબલે, ડેપ્યુટી મેયર સિદ્ધાર્થ ડાંડે સહિતના નેતાઓ હાજર હતાં. ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદે કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ફરિયાદ કર્તાઓના જણાવ્યા પ્રમાણે મેવાણીના ભાષણ બાદ જ મહારાષ્ટ્રમાં જાતિય હિંસા ભડકી ઉઠી હતી. કારણ કે ભાષણ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ એક ખાસ વર્ગને સડક પર ઉતરી વિરોધ કરવા ઉશ્કેર્યા હતાં, ત્યાર બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને ધીમે ધીમે ભીડે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
કાર્યક્રમમાં મેવાણીએ કહ્યું હતું કે, આગામી ૧૪મી એપ્રિલે નાગપુરમાં જઈ આરએસએસ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાશે. આ પરિષદમાં ડો, પ્રકાશ આંબેડકર, નિવૃત્ત જ્જ બી જી કોલસે પાટિલ, લેખિકા અને કવિ ઉલ્ક મહાજન સહિત હાજર રહ્યાં હતાં. દલિત સમુદાયના આ કાર્યક્રમમાં ગુજરાતના મેવાણી, ઉમર ખાલિદ, પ્રકાશ આંબેડકર અને રાધિકા વેમુલાએ ભાગ લીધો હતો. એવું મનાઈ રહ્યું છે કે દલિત અને મરાઠા સમુદાયના લોકો સામસામે આવી ગયાં હતાં. ત્યાર બાદ આ ઘટનાએ હિંસકરૂપ ધારણ કર્યું હતું અને મુંબઈ અને પુણે ભડકે બળવા લાગ્યાં હતાં. અનેક ઠેકાણે આગ ચંપી અને તોડફોડ થઈ હતી. પુણેમાં ભડકેલી આ આગ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ લાગી હતી. મુંબઈના કુર્લા, મુલુંડ, ચેંમ્બુર અને થાણેમાં સરકારી બસો પર પથ્થરમારો કરી તેને આગના હવાલે કરવામાં આવી હતી. પુણેના બે યુવાન અક્ષય બિક્કડ અને આનંદ ડોન્ડે પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં મેવાણી અને ઉમર ખાલિદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતાં બંને વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાં ફરિયાદ નોંધાઈ છે.