મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ અને પૂરને કારણે ભારે વિનાશ વેરાયો છે. રાજ્યમાં છેલ્લા ૪૦ વર્ષમાં વધુમાં વધુ ધોધમાર વરસાદ અને ભીષણ પૂરને કારણે તારાજી સર્જાઈ છે. આ વર્ષે જૂન પછી પડેલા સાંબેલાધાર વરસાદ અને પૂરને કારણે ૨૨૮ લોકોનાં મોત થયાં છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ લોકોએ અને ૭૨ કલાકમાં ૧૪૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧૦૦થી વધુ લોકો હજી લાપતા છે. ૫૫થી વધુને ઈજા થઈ છે. રાજ્યનાં ૨૧ જિલ્લા ભારે વરસાદ અને ભીષણ પૂરથી પ્રભાવિત થયાં છે. જે જિલ્લામાં તબાહી મચી છે તેમાં સતારા, રત્નાગિરિ, રાયગઢ, સિંધુદુર્ગ, કોંકણ, મરાઠવાડા, કોલ્હાપુર, સાંગલીનો સમાવેશ થાય છે. પૂરે સર્જેલી તારાજી પછી રાજ્યનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ૨૭મીએ તેમનો જન્મદિવસ નહીં ઊજવવાનું નક્કી કર્યું છે. તેઓ સતારાના પાટણ તેમજ કોયનાનગર જવાના હતા પણ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શકતા તેમનો પ્રવાસ મુલતવી રાખ્યો હતો. પૂરથી ૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે ૨.૩૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાં છે.
તલિયે ગામમાંથી ૫૩ શબ મળ્યાં
રાયગઢ જિલ્લાનાં તલિયે ગામ પર જમીન ધસી પડવાથી અનેક મકાનો દટાઈ ગયાં હતાં. આને લીધે ૫૩ લોકોનાં મોત થયાં હતાં. ત્યાં હવે સર્ચ ઓપરેશન બંધ કરાયાં પછી લાપતા થયેલા ૩૨ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં છે.