મહારાષ્ટ્રમાં હવે સાચા અર્થમાં ‘ઈડી’ની સરકાર!

Friday 08th July 2022 07:20 EDT
 
 

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ફ્લોર ટેસ્ટમાં શિંદે સરકારની તરફેણમાં 164 મત પડ્યા હતા જ્યારે વિરુદ્ધમાં 99 મત પડ્યા હતા. કોંગ્રેસના 9 સહિત 21 ધારાસભ્યોએ મતદાન કર્યું નહોતું. ફ્લોર ટેસ્ટ સમયે ગૃહમાં ઇડી... ઇડીના નારા ગૂંજ્યા હતા. આ સમયે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હા, રાજ્યમાં સાચા અર્થમાં હવે EDની સરકાર છે. જેમાં E એટલે એકનાથ શિંદે અને D એટલે દેવેન્દ્ર ફડણવીસ એવું અર્થઘટન ન કરાયું હતું. શિંદેએ કહ્યું હતું કે કે મહારાષ્ટ્રની પ્રજાને તાકીદે રાહત આપવા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરાશે.

હવે સસરાને માનવો પડશે જમાઇનો આદેશ

મહારાષ્ટ્રના રાજકારણના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સસરા રામરાજે નાઈક નિંબાળકર વિધાન પરિષદના અધ્યક્ષ છે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા રાહુલ નાર્વેકર તેમના જમાઈ છે. નિંબાળકર એનસીપીના અને નાર્વેકર ભાજપના સભ્ય છે. આમ હવે એવું બનશે કે જમાઈના ફેંસલાને સસરાએ માન્ય રાખવો પડશે. કારણ વિધાનસભામાં જે પ્રસ્તાવ પસાર થાય એ વિધાન પરિષદમાં મોકલાય છે. નિંબાળકર એનસીપીના નેતા છે જ્યારે જમાઈ નાર્વેકર શિવસેનામાંથી એનસીપીમાં અને ત્યાંથી છેવટે ભાજપમાં ઠરીઠામ થયા છે.

શિવસેનાની સુપ્રીમ કોર્ટમાં પણ પીછેહઠ

શિવસેનાએ શિંદે જૂથ અને ભાજપની યુતિ સરકારને વિધાનસભામાં આગળ વધતી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તેના પર તત્કાળ સુનાવણીની માગણી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. સ્પીકર રાહુલ નાર્વેકરે ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી હતી તેને ઉદ્ધવ ઠાકરે ગ્રૂપે કોર્ટમાં પડકારી હતી. સ્પીકરે વિધાનસભામાં શિવેસનાના નેતા અને ચીફ વ્હીપની માન્યતા રદ કરી હતી તેને પણ કોર્ટમાં પડકારાઈ હતી. કોર્ટે આ અરજીની સુનાવણી 11 જુલાઈએ કરવાનું નક્કી કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter