મહિલાઓ પોતાની મરજીથી બળાત્કાર કરાવે છે

Tuesday 09th June 2015 14:14 EDT
 

ઉત્તર પ્રદેશની સરકારના પૈક્સફેડના ચેરમેન તોતારામ યાદવે એક નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો છે. તેમણે કહ્યું હતું કે બળાત્કાર થતો નથી પણ મહિલાઓ પોતાની મરજીથી બળાત્કાર કરાવે છે. મૈનપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન તોતારામે કહ્યું હતું કે મહિલાઓ સાથે થયેલા બળાત્કાર બાદ સરકાર અને પોલીસને હેરાન થવું પડે છે. તેમણે દાવો કર્યો હતો કે મહિલાઓ સાથે બળાત્કાર થઈ જ ના શકે. તોતારામે ઉમેર્યું હતું કે બળાત્કાર થયા બાદ લોકો સરકાર પર દોષનો ટોપલો નાખે છે. મોટાભાગનાં લોકો કહે છે કે સરકારની કાયદાકીય વ્યવસ્થા ખરાબ છે જ્યારે કોઈ પોતાની મરજીથી બળાત્કાર કરાવે તેમાં સરકાર શું કરી શકે. તેમણે એવો દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં બળાત્કારની ઘટનાઓ નથી બનતી. પહેલાં બધું પોતાની મરજીથી થાય છે, બાદમાં જ્યારે મામલો પ્રકાશમાં આવે છે ત્યારે તેને બળાત્કારનું રૂપ આપવામાં આવે છે. બધું જ છોકરા અને છોકરીની મરજીથી થતું હોય છે. તોતારામ પહેલાં મુલાયમસિંહે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

સંઘના વડાને ઝેડ-પ્લસ સુરક્ષાઃ આરએસએસના વડા મોહન ભાગવતને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકે-સીરિઝની રાઇફલથી સુસજ્જ સીઆઇએસએફના ૬૦ કમાન્ડો ૨૪ કલાક તેમની સુરક્ષા કરશે. તેમની પાસે સંચાર અને હુમલાને નિષ્ફળ બનાવવાના બધા અત્યાધુનિક સાધનો હશે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ભાગવત માટે બુલેટ પ્રુફ બીએમડબલ્યુ કાર રહેશે.

રાજનાથે સનટીવી નેટવર્કની રેડિયો-ટીવી ચેનલો બંધ કરાવીઃ દક્ષિણ ભારતમાં મોખરાના ગણાતા સન ટીવી નેટવર્કની F.M. રેડિયોની ૪૦ ચેનલ્સને કેન્દ્રના ગૃહમંત્રાલયે ગત એપ્રિલમાં બંધ કરાવ્યું હતું. હવે સપ્તાહે તેની ૩૩ ટીવી ચેનલ્સનું સિક્યુરિટિ ક્લીયરન્સ અટકાવી દીધું છે. હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયે સન ટી.વી.નું બ્રોડકાસ્ટિંગ લાયસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter