નવી દિલ્હીઃ કૃષિ કાયદામાં સુધારા વિરુદ્ધ દેશના વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની સરહદે કરવામાં આવી રહેલા આકરા વિરોધનો પાંચમા દિવસે પણ અંત આવ્યો નથી. મંગળવારે ભારત સરકારના આમંત્રણથી કિસાન અગ્રણીઓએ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સાથે બેઠક યોજી હતી. જોકે આ બેઠકમાં બન્ને પક્ષને સંતોષકારક કોઇ મધ્યસ્થ માર્ગ ન મળતાં કિસાનોએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે મંત્રણાનું બીજુ રાઉન્ડ શુક્રવાર ત્રીજી ડિસેમ્બરે યોજાશે.
કિસાન આંદોલનકારીઓએ એવી ચીમકી ઉચ્ચારી છે કે તમામ માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી દિલ્હીમાં ઘૂસવાના અને સરકારની સામે વિરોધ કરવાના તમામ પ્રયાસ કરાશે. આ મુદ્દે દિલ્હીને જોડતા મોટા ભાગના હાઇવે સીલ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ખેડૂતોએ પણ પોતાની રણનીતિ શરૂ કરી હતી. ખેડૂતોએ પણ દિલ્હી બહારથી સીલ કરી દેવાની ધમકી આપી હતી. હાલમાં દિલ્હી પ્રવેશ માટેના બે જ મોટા હાઇવે ખુલ્લા છે. એક જયપુર હાઇવે અને બીજો આગરા હાઇવે. ખેડૂત સંગઠનો દ્વારા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ખેડૂતોના આ હાઇવે જામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ખેડૂતોના નેતાઓએ સોમવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઈ શરત માન્ય રાખવામાં આવશે નહીં. સરકાર અમારા મનની પણ વાત ક્યારેક સાંભળે નહીંતર તેના પરિણામ માટે તૈયાર રહે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કૃષિ પ્રધાન વચ્ચે પણ બેઠક યોજવામાં આવી હતી. આ સિવાય કેન્દ્રના અન્ય પ્રધાનો અને ભાજપના નેતાઓ દ્વારા પણ પોતાના સ્તરે આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.