પેરિસઃ યુરોપના ચાર દેશોનો પ્રવાસના અંતિમ પડાવમાં ફ્રાન્સ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નવનિયુક્ત પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બેઠક પછી પત્રકાર પરિષદને સંબોધતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘ફ્રાન્સ અને ભારત તમામ સેક્ટરમાં ગાઢ સંબધો ધરાવે છે. ફ્રાન્સ સાથે આબોહવા પરિવર્તનના મુદ્દે ભારતે વ્યક્તિગતરૂપે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. પેરિસ સમજૂતી વિશ્વનો સહિયારો વારસો છે. હાલમાં માનવતા સામે આતંકવાદ અને પર્યાવરણ તે સૌથી મોટા પડકારો છે.’ જર્મની, સ્પેન, રશિયાનો પ્રવાસ ખેડીને મોદી ત્રીજી જૂને રાત્રે ફ્રાન્સ પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે ફ્રાન્સ અને ભારત તમામ સેક્ટરમાં સાથે મળીને કામ કરે છે. સંબંધો માત્ર બે દેશો સુધી જ સીમિત નથી. માનવતાની ભલાઈ માટે બંને દેશ કામ કરતા રહે છે. વિકાસ ક્ષેત્રે પણ સાથે કામ કરીએ છીએ. રોકાણ, શિક્ષણ, ઊર્જા એમ તમામ મોરચે બંને દેશ સાથે છે. ભારતના યુવાનો ફ્રાન્સને વધુ સમજે તે મુદ્દે, વિકાસ તેમજ સંરક્ષણ મોરચે પણ વાતચીત થઈ હતી.
પેરિસ સમજૂતી પૃથ્વીને બચાવવાની જવાબદારી
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પેરિસ સમજૂતી એક પેઢીની દેન છે. ભાવી પેઢીને તે વારસામાં આપવા માગે છે. ભાવી પેઢીની આશાઓને તે જીવંત રાખે છે. માત્ર પર્યાવરણ સુરક્ષાનો મુદ્દો નથી પણ પૃથ્વીને બચાવવાની સહિયારી જવાબદારીનો મામલો છે. ભારતવાસીઓ માટે પ્રકૃતિસુરક્ષા તે વિશ્વાસનો મુદ્દો છે. વૈદિકકાળનું શિક્ષણ જ બધાનું કલ્યાણ કરી શકશે. પ્રકૃતિ માટે સંસ્કાર અને સ્વભાવથી અમે સર્મિપત છીએ.
ફ્રી ટ્રેડ કરાર પર થશે ચર્ચા
વડા પ્રધાનની ફ્રાન્સની મુલાકાત વખતે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો મજબૂત થવાની આશા છે. ઉપરાંત સ્પેસ સાયન્સ, સંરક્ષણ અને આર્થિક સહયોગને શક્તિશાળી બનાવવા ચર્ચા થઈ શકે છે. યુરોપીય સંઘ સાથે ફ્રી ટ્રેડ કરારનો મુદ્દો પ્રવાસકાર્યક્રમનો મુખ્ય મુદ્દો છે.