અલ્હાબાદ: બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકના અંતે ૧૪મી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્હાબાદમાં પરિવર્તન રેલીને સંબોધન કરતાં કહ્યું કે, માયાવતીની સરકાર ચાલતી હોય તો મુલાયમ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં થાકતા નથી અને મુલાયમની સરકાર હોય તો માયાવતી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતા રહે છે, પરંતુ બંનેએ એકબીજા સામે કદી પગલાં લીધા જ નથી. પાંચ વર્ષ મારા અને પાંચ વર્ષ તમારાની રાજ્યમાં જુગલબંદીમાં લૂંટની ઠેકેદારી ચાલી રહી છે.
પોતાને ઉત્તર પ્રદેશના સાંસદ તરીકે ચૂંટી મોકલવા બદલ લોકોનો આભાર માનતાં મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર બની તેનું શ્રેય ઉત્તર પ્રદેશને જ જાય છે. રાજ્યમાં જાતિવાદને બદલે વિકાસવાદની જરૂર છે, તેમણે કહ્યું કે યુપીને સગાંવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદનું ગ્રહણ લાગ્યું છે. વિકાસવાદનો યજ્ઞા જરૂરી છે. હેલીકોપ્ટર, વિમાનોની ખરીદી અને રાંધણ ગેસ સબસિડીના ભ્રષ્ટાચારના મુદ્દાને ટાંકતાં વડા પ્રધાને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું.
રેલી પહેલાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન ભાવુક બની જતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેમના શરીરનો કણેકણ રાષ્ટ્ર માટે સમર્પિત છે. સત્તા કે તાકાતનો મદ ત્યજી સમાજના ઉપયોગી કામોમાં લાગેલા રહેવું જોઇએ. પક્ષના કાર્યકરોને આચરણ અને નીતિ માટે સેવા, સંતુલન, સંયમ, સમન્વય, હાકારાત્મકતા, સદ્ભાવ અને સંવાદ એમ પાંચ બિંદુને વળગી રહેવા તેમણે શીખ પણ આપી હતી.