લખનઉઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કમર કસી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના પ્રવાસે રહેલાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકરો સાથે ૧૩મીની રાત્રિથી ૧૬ કલાક લાંબી બેઠક કરી હતી. પરોઢિયે ૫.૩૦ કલાકે પૂરી થઈ હતી. બેઠક દરમિયાન પ્રિયંકાએ સિનિયર નેતાઓ અને કાર્યકરોને સંખ્યાબંધ સવાલો પૂછયા હતા જેનો જવાબ ન મળતાં પ્રિયંકાએ તેમની ઝાટકણી કાઢી હતી. છેલ્લે પ્રિયંકાએ પ્રયાગરાજથી આવેલા કાર્યકરોને મળીને બેઠક પૂરી કરી હતી.
બેઠક પછી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ૨૦૧૯ની ચૂંટણી કેવી રીતે જીતાય તે અંગે પાર્ટી કાર્યકરો પાસેથી વિચારો જાણી રહી છું. જયપુરથી પરત આવીને પ્રિયંકાએ આઠ લોકસભા મતવિસ્તારમાંથી આવેલા કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. એ પછી પ્રિયંકાએ કહ્યું કે, હું લોકસભાની ચૂંટણી લડવાની નથી, વડા પ્રધાન મોદીનો મુકાબલો મારી સાથે નહીં રાહુલ ગાંધી સાથે છે.
હું સંગઠનને મજબૂત કરતી રહીશ
પતિ રોબર્ટ વાડરાની પૂછપરછ અંગેના એક સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે આ બધું તો ચાલતું રહેશે, હું મારું કામ કરતી રહીશ. મને કોઈ ફરક પડતો નથી. હું સંગઠનને મજબૂત કરવાના કામમાં લાગેલી છું. ૨૦૧૯ની ચૂંટણી કેવી રીતે જીતવામાં આવે તે અંગે ચર્ચા ચાલી રહી છે.


