નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય સતાવણી અને શારીરિક છેડછાડનો તાજેતરમાં આરોપ મૂક્યો હતો. એ પછી ગોગોઈએ કહ્યું હતું કે, આ તમામ આરોપ ખોટાં છે. આરોપોની પાછળ મોટી તાકાત છે અને ન્યાયપાલિકાની આઝાદી પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. બીજી તરફ ગોગોઈ પર આરોપ મૂકતી એફિડેવિટ મહિલાએ ૧૯મી એપ્રિલના રોજ સુપ્રીમના ૨૨ જજને મોકલી આપી હતી. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ સામે એક પૂર્વ મહિલા કર્મચારી દ્વારા મુકાયેલા આરોપો ખોટા અને વાહિયાત છે. અમે તે આરોપોન નકારી કાઢીએ છીએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ કોઈ બ્લેકમેલ કરવાની પ્રવૃત્તિ જેવું લાગે છે.
સુપ્રીમ વિચિત્ર વિવાદમાં
સુપ્રીમ કોર્ટ ૨૦મીએ એક વિચિત્ર વિવાદમાં ફસાઈ હતી. સુપ્રીમ કોર્ટની જ એક પૂર્વ કર્મચારીએ ૨૨ જજને પત્ર લખીને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન ઉત્પીડન અને પરિવારની હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. ૧૯મીએ મોકલેલા આ પત્રને ચાર વેબસાઇટે પ્રકાશિત કર્યા પછી ૨૦મીએ રજા હોવા છતાં ચીફ જસ્ટિસે તાત્કાલીક એક વિશેષ ખંડપીઠનું ગઠન કરીને આ મામલે સુનાવણી કરી હતી. ત્રણ જજની ખંડપીઠમાં ખુદ ચીફ ગોગોઈ પણ સામેલ હતા.
ગોગોઈ પાસેના કેસ
અયોધ્યા કેસ પણ તેમની પાસે છે. એનઆરસીને લગતા કેસની સુનાવણી પણ જસ્ટિસ ગોગોઈની બેન્ચ પાસે છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક અંગેના કેસ પણ જસ્ટિસ ગોગોઈ પાસે છે. રાજેશ અને નૂપુર તલવારને સીબીઆઈ કોર્ટ દ્વારા છોડી મુકાયા સામે કરાયેલી અરજી પણ તેમની કોર્ટ પાસે આવી છે.
ગોગોઈ એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં રાહુલ વિરુદ્ધ અવમાનના અરજી, મોદીની બાયોપિક રિલીઝની સાથે સાથે તામિલનાડુમાં મતદારોને લાંચ આપવાને કારણે ત્યાં ચૂંટણી સ્થગિત કરવાની માગની અરજીની સુનાવણી કરવાના છે. આ ખંડપીઠમાં સામેલ બે અન્ય જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ બાદમાં એમ કહ્યું હતું કે, આ મામલામાં કોર્ટ કોઈ આદેશ નથી આપતી.
છોકરી છીનવવાની ધમકી
સુપ્રીમ કોર્ટમાં નોકરી કરતી આ મહિલાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડન અને હેરાન-પરેશાન કરવાના આરોપ મૂક્યા હતા. તેણે કહ્યું છે કે ગયા વર્ષે ૧૦-૧૧ ઓક્ટોબરે ચીફ જસ્ટિસે મારી સાથે યૌન ઉત્પીડનનો પ્રયાસ કર્યો હતો. તેમની હરકતોનો વિરોધ કર્યો તો મને નોકરીમાંથી હટાવી દેવાઈ. દિલ્હી પોલીસમાં મારા હેડ કોન્સ્ટેબલ પતિને પણ ૨૦૧૨માં એક કેસમાં સમજૂતી થઈ ગઈ હોવા છતાં સસ્પેન્ડ કરાવી દીધા. વિકલાંગ દિયરને પણ સુપ્રીમ કોર્ટમાંથી નોકરીમાંથી કાઢી મુકાવ્યા. ત્યાર પછી મને ચીફ જસ્ટિસ ગોગોઈ અને તેમની પત્ની સામે કરગરવા કહેવાયું. તેમના પગમાં નાક રગડવા માટે પણ મજબૂર કરાઈ. છેતરપિંડીના એક કેસમાં મને, મારા પતિને અને અન્ય પરિવારજનોને પણ પોલીસ મથકમાં બેસાડી રાખ્યાં. ત્યાં મારપીટ અને ગાળાગાળી કરાઈ હતી.