મારે કંઈક કહેવું છે...માનવતાની મહેક

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા Tuesday 14th September 2021 16:55 EDT
 
 

૭ સપ્ટેમ્બરે હું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ઓનલાઈન વાંચતો હતો. તે વાંચતા પર્યૂષણ ૨૦૨૧ દરમિયાન જૈન સમાજના સાત યુવાનોની ટીમ ઓર્ગન ડોનેશનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી રહી છે તે વાંચીને હું ખૂબ પ્રભાવિત થયો. જૈન હિન્દુ ઓરગન ડોનેશન દ્વારા બનાવાયેલો વીડિયો સોશિયલ મીડિયા અને વિવિધ સંસ્થાઓના પર્યુષણ કાર્યક્રમોમાં પહોંચતો કરાયો હતો. તેઓ લોકોને મૃત્યુ પછી એક પ્રકારે સેવા માટે ઓર્ગન ડોનેટ કરવા નોંધણી કરાવવા પ્રેરણા આપે છે. ખાસ કરીને આ યુવાનો માનવજાત માટે આવા શ્રેષ્ઠ ઉદ્દેશનું નેતૃત્વ લઈ રહ્યા છે તે મને ખૂબ ગમ્યું.

તેની આગળના દિવસે મને ગુજરાતના વલ્લભવિદ્યાનગરના મારા સ્વજન મુકુન્દભાઈ પટેલનો વોટ્સએપ મેસેજ મળ્યો. મુકુન્દભાઈ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમના પિતા નરેન્દ્રભાઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. અમે પહેલા વલ્લભવિદ્યાનગર રહેતા હતા તેથી અમારે નીકટનો સંબંધ છે. અમે ભારત જઈએ ત્યારે સમયની અનુકુળતાએ તેમને મળતા પણ હતા. મુકુન્દભાઈએ મોકલેલો મેસેજ તેમના પૂજ્ય માતુશ્રી વીણાબેન (વીણાબા)નું પવિત્ર શ્રાવણ માસમાં વૃદ્ધાવસ્થાને લીધે પ સપ્ટેમ્બરે મૃત્યુ થયા અંગેનો હતો.

પરંતુ, જે વાત મને ખૂબ સ્પર્શી ગઈ તે એ હતી કે તેમની માતાએ મૃત્યુ પછી પોતાના પાર્થિવ દેહનું દાન કરવા કરમસદમાં આવેલી શ્રી ક્રિશ્રા હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમણે આ દેહદાન હોસ્પિટલની નજીક આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કર્યું હતું.

આપણી કોમ્યુનિટીમાં માત્ર ભારતમાં જ નહીં પણ લઘુમતીઓ, ઈમિગ્રન્ટ્સ અને અન્ય વંશીય જૂથો સહિત વિદેશોમાં ઓર્ગન ડોનેશન વિશે ખૂબ ઓછી જાગૃતિ છે. તેઓ જાણતા હોય તો પણ અન્ય લોકોની જીંદગી બચાવવા માટે ખૂબ જરૂરી એવા અંગોના દાન માટે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક હોતા નથી.

ઉમદા હેતુ માટે પૂ. વીણાબાના આ દિવ્ય, ઉદાર અને સાહસિક કૃત્ય બદલ હું તેમને નમન કરું છું. ઘણાં ધાર્મિક ગ્રૂપ દ્વારા ધાર્મિક તહેવારોમાં કેમ્પ, સેમિનાર, કોન્ટેક્ટ ઓન ફોન, વોટ્સએપ, વીડિયો અને અપીલને લીધે હાલ ઓર્ગન ડોનેશન વિશે જાગૃતિમાં વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter