નવી દિલ્હીઃ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ યાકુબ મેમણને ફાંસી આપવાનો કેમ વિરોધ કર્યો એ મુદ્દે ખુલાસો કર્યો છે. યાકુબ મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સંડોવાયેલો આરોપી હતો, પરંતુ ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું હતું કે, મૃત્યુદંડ મધ્યયુગીન પરંપરા છે અને અયોગ્ય છે. મેં કુલભૂષણ જાધવને ફાંસી ના થઈ શકે તે માટે પણ અરજી કરી છે.
આ મુદ્દે ગોપાલકૃષ્ણ ગાંધી પર માછલાં ધોવાતા તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે. આ બંને મહાનુભાવો મૃત્યુદંડના વિરોધી હતા. અત્યારે આપણે વિભાજિત થઈ રહેલા સમાજમાં જીવી રહ્યા છે. દેશને વિભાજિત કરનારા તત્ત્વો આક્રમક થઈ રહ્યા છે અને એ સૌથી મોટો ભય છે. સામાન્ય માણસને પણ રાજકારણમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે. આ માટે મેં કોઈ રાજકીય પક્ષમાંથી નહીં પણ ઉપ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી સ્વીકારીને પ્રજા અને રાજકારણ વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ શરૂ કર્યો છે.