માલ હૈ... ચેટ મારી છે, અમે ઘણી વખત પાર્ટીમાં ડૂબ લેતા હોઈએ છીએ: દીપિકા

Wednesday 30th September 2020 06:16 EDT
 
 

મુંબઇઃ બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્કની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલી દીપિકાએ કબૂલ્યું છે કે અમે ઘણી વખત પાર્ટીમાં ડૂબ લેતા હોઇએ છીએ. તેનું કહેવું છે કે ડૂબ એક પ્રકારની સિગારેટ છે. સાથોસાથ જ તેણે માલ હૈ... ક્યા વાળી ચેટ પોતાની હોવાની કબૂલાત પણ કરી હતી. સૂત્રોના મતે ઘણા સવાલોના જવાબ દીપિકાએ આપ્યા નહોતા તેના કારણે તેની કરિશ્મા સાથે અને સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.
દીપિકાએ ડ્રગ્સની વાત કરનારા ચેટ ગ્રૂપમાં એડમિન હોવાની વાત સ્વીકારી હતી પણ તેણે પોતે ડ્રગ્સ લેતી હોવાનો ઇનકાર કર્યો હતો. તેણે જણાવ્યું કે અમે ઘણી વખત પાર્ટીમાં ડૂબ લેતા હોઈએ છીએ. મારે તેના વિશે જ વાત થઈ હતી.

પાર્ટીમાં ડ્રગ્સની રેલમછેલ હતીઃ શ્રદ્ધા કપૂર

જયા સાહા સાથે સીબીડી ઓઇલ મુદ્દે ચેટ કરનારી શ્રદ્ધા કપૂર પણ એનસીબી સામે હાજર થઈ હતી. તેણે જયા પાસેથી સીબીડી ઓઇલ મગાવવાની ચેટ પ્રારંભે નકારી હતી. જોકે આકરી પૂછપરછ પછી તેણે સીબીડી ઓઇલનો ઉપયોગ દવા તરીકે કર્યો હોવાની વાત સ્વીકારી હતી અને ચેટની વાત પણ સ્વીકારી હતી. બીજી તરફ પોતે ડ્રગ્સનું સેવન કરતી હોવાની વાત અંગે નનૈયો ભણ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, સુશાંતને ડ્રગ્સનું વળગણ હતું. તે છિછોરેને સેટ ઉપર પણ ડ્રગ્સ લેતો હતો. મેં તેને ઘણી વખત વેનિટિ વાનમાં ડ્રગ્સ લેતા જોયો હતો. આ સિવાય છિછોરેની પાર્ટીમાં પણ અનેક લોકો ડ્રગ્સ લેતા જોવા મળ્યા હતા. આ સિવાય સુશાંતના ફાર્મહાઉસ ઉપર પણ સુશાંત અને તેના મિત્રો દ્વારા ડ્રગ્સ લેવાતું હતું. તે સિવાય કેટલીક સિગારેટ મગાવાતી હતી અને ફ્લેવર્ડ હુક્કા પણ મગાવવામાં આવતા હતા. સુશાંત વીડનું પણ સેવન કરતો હતો.

હું માત્ર સિગારેટ પીતી હતી: સારા અલી ખાન

રિયા ચક્રવર્તી દ્વારા કેદારનાથના શૂટિંગ દરમિયાન સારા અને સુશાંત દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરવાના આરોપ મુકાયા બાદ શનિવારે સારાને એનસીબી કચેરીમાં બોલાવવામાં આવી હતી. સારા અલી ખાન દ્વારા રિયાના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા હતા. સારા અલી ખાને જણાવ્યું કે, કેદારનાથના શૂટિંગ સમયે હું સુશાંત સાથે રિલેશનશિપમાં હતી. અમારા રિલેશન હતા અને હું તેની સાથે સમય પસાર કરતી હતી. તેની સાથે પાંચ દિવસ થાઇલેન્ડ ગઈ હતી ત્યાં પણ પાર્ટીઓમાં તેની સાથે જતી હતી. ત્યાં જાતભાતના ડ્રિન્ક સર્વ થતા હતા. કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંત સાથે ઘણી વખત સિગારેટ પીધી હતી. તે સિવાય પણ કેટલીક પાર્ટીમાં સિગારેટ પીધી હોવાની વાત તેણે સ્વીકારી હતી. સારાએ ડ્રગ્સ લેતી હોવાના તમામ આરોપો ફગાવી દીધા હતા.

હું ડ્રગ્સ લેતો નથી, મારી પાર્ટીમાં ડ્રગ્સ લેવાતું નથીઃ કરણ

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેની તપાસમાં ડ્રગ્સ એન્ગલ બહાર આવતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તપાસનો ધમધમાટ બોલાવી બોલીવૂડની એ-લિસ્ટ અભિનેત્રીઓની તપાસ આદરી છે. આ લોકોના નામો તપાસ દરમિયાન અન્ય વ્યકિતઓએ અથવા ડ્રગ્સ પેડલરોએ લીધા હોવાથી તેમની પૂછપરછ કરાઇ રહી છે. ગયા વર્ષે કરણ જોહરે આપેલી એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને આધારે અને તાજેતરમાં ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરા નામના બે વ્યકિતની એનસીબીએ પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. આ બન્ને વ્યકિત કરણ જોહરની ધર્મા પ્રોડકશન સાથે સંકળાયેલી હોવાની વિગત સતત માધ્યમોમાં આવતા અંતે કરણ જોહરે આ બાબતે મૌન તોડયું હતું અને આ સમગ્ર મામલે ટવિટરના માધ્યમથી ખુલાસો કર્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે ડ્રગ્સ લેતો નથી અને તેની પાર્ટીમાં કયારેય ડ્રગ્સનો ઉપયોગ થયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter