માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમદને બિઝનેસ ભૂષણ 2026 સન્માન

Wednesday 25th March 2026 05:33 EDT
 
 

જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અને સામાજિક વિકાસ પ્રત્યે અપ્રતિમ પ્રતિબદ્ધતા બદલ તેમને આ સન્માન એનાયત થયું છે. મુંબઇમાં યોજાયેલા લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2026 સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
ગેટવે ઓફ ઇંડિયા ખાતે મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના મુખ્ય મહેમાનપદે યોજાયેલા આ સમારોહમાં મંત્રીઓ સહિતના રાજનેતાઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમના સૌથી મોટા જ્વેલરી રિટેલર અને ભારતમાં નંબર વન જ્વેલરી રિટેલર બનાવવામાં એમ.પી. અહમદે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ સન્માન બદલ ગૌરવની લાગણી વ્યકત કરતા અહમદે કહ્યું હતું, ‘આ સન્માન માલાબાર પરિવારના દરેક સભ્યની મહેનત અને અમારા મહામૂલા ગ્રાહકોના વિશ્વાસને બિરદાવે છે. પ્રામાણિકતા અને જવાબદારી અમારી સફળતાના આધારસ્તંભ છે. સહિયારો વિકાસ અમારું લક્ષ્ય છે.’
1993માં સ્થપાયેલ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ 14 દેશોમાં 425 શોરૂમ ધરાવે છે અને ગ્રૂપની વાર્ષિક આવક 7.36 બિલિયન ડોલર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter