માલ્યાએ સ્વિસ બેન્કમાં £૧૭.૮ મિલિયન ટ્રાન્સફર કર્યા અને ભારતીય એજન્સીઓ ઊંઘતી રહી

Wednesday 26th September 2018 07:03 EDT
 
 

લંડનઃ ભારતમાં બેંકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને લંડન ભાગી ગયેલા વિજય માલ્યા દિલ્હી આવે ત્યારે તેની અટકાયત ન કરવી તેવું સીબીઆઈએ નવેમ્બર ૨૦૧૫માં રેકર્ડ પર જણાવ્યું હતું. બેન્કર્સને તેમના સલાહકારોએ માલ્યાને લંડન જતો અટકાવવાની સલાહ આપી હતી. જોકે, બેન્કર્સે ચાર મહિના પછી પણ કોઈ પગલાં લીધા નહોતા. પરંતુ લંડનના બ્રિટિશ ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટે માલ્યાએ એક વર્ષ પછી બેન્ક ઓફ સ્વિત્ઝર્લેન્ડમાં ટ્રાન્સફર કરેલા ૧૭.૮ મિલિયન પાઉન્ડના વ્યવહાર શંકાસ્પદ લાગતાં ૨૮ જૂન,૨૦૧૭ના રોજ સીબીઆઈ અને ઈડી સહિત ભારતીય તપાસ એજન્સીઓને સતર્ક કરી હતી. ત્યારબાદ માલ્યાને ધિરાણ આપનારી ૧૩ બેન્કોએ કન્સોર્શિયમ બનાવીને બ્રિટનમાં આવેલી માલ્યાની મિલકતો સીલ કરવાની દિશામાં હિલચાલ કરી હતી.

નવેમ્બર ૨૦૧૭માં માલ્યા વિરૂદ્ધ બ્રિટને વિશ્વ વ્યાપી ફ્રીઝિંગ આદેશ આપી દીધા હતા. આ પછી લંડનમાં બંને દેશોની તપાસ એજન્સીઓની મળેલી બેઠકમાં બ્રિટિશ સત્તાવાળાઓએ સલાહ આપી હતી કે માલ્યાને તેની મિલકતો સગેવગે કરતા રોકવામાં આવે. તેને પગલે બેંગ્લુરૂની ટ્રિબ્યુનલે માલ્યા વિરુદ્ધ ફેબ્રુઆરી ૨૦૧૮માં આદેશ આપ્યા હતા. તે પછી જ માલ્યા વિરૂદ્ધની હિલચાલે વેગ પકડયો હતો. ભારતીય બેન્કોને પુરતો સમય ન મળતાં માલ્યાને સ્વિત્ઝર્લેન્ડને નાણા ટ્રાન્સફર કરતાં રોકી શકાયો નહોતો. બેન્કોએ લીધેલા પગલાંને કારણે સર્જાયેલા કાનૂની અવરોધોને પગલે જ બ્રિટનમાં આવેલી ૧.૧૪ બિલિયન પાઉન્ડની મિલકતો પર માલ્યાએ નિયંત્રણ ગુમાવી દીધું.

ફેબ્રુઆરી ૨૦૧૬માં માલ્યાએ ડિયાગિઓ સાથે થયેલી પતાવટને પગલે મળેલી ચાર કરોડ ડોલરની રકમ કઈ રીતે સગેવગે કરી હતી તેની નોંધ બ્રિટિશ કોર્ટે તેના આદેશમાં લીધી હતી. માલ્યાએ તેના સંતાનો જે ટ્રસ્ટના લાભાર્થી હતા તેના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter