મુંબઇ શેરબજારમાં તેજીના આખલાએ દોટ મૂકી છેઃ નિફ્ટી આ મહિને જ ૧૭,૫૦૦ થવાની આશા

Wednesday 08th September 2021 05:12 EDT
 
 

મુંબઇઃ ભારતીય શેરબજારમાં તેજીનો આખલો ભૂરાયો થયો છે. કોવિડ મહામારીથી નબળા પડેલા દેશના અર્થતંત્રમાં ચેતનાનો સંચાર અને વિદેશી રોકાણકારોના જંગી મૂડીરોકાણના પગલે મુંબઇ શેરબજાર (બીએસઇ)માં ફુલગુલાબી તેજીનો માહોલ છે. ઓગસ્ટમાં નવ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સ ૫૮,૦૦૦ અને નિફ્ટી ૧૭,૩૦૦ પોઇન્ટની સપાટીએ ટચ થઇ ચૂક્યા છે. મોટા ભાગના બજાર પંડિતો અને નિષ્ણાતો સેન્સેક્સ દિવાળી સુધીમાં ૬૦,૦૦૦ થવા સાથે નિફ્ટી ૧૮,૦૦૦ પોઇન્ટની સપાટી ક્રોસ કરી જવાની આગાહી કરી રહ્યા છે.
જોકે, સપ્ટેમ્બર મહિનાનો ઇતિહાસ જોઇએ તો છેલ્લા ૧૦ વર્ષ પૈકી ૬ વર્ષના સપ્ટેમ્બરમાં વિદેશી નાણાકીય સંસ્થાઓ (એફઆઇઆઇ)ની નેટ વેચવાલી અને શેરબજારમાં ઘટાડાની ચાલ રહી છે. આ વર્ષે ઓગસ્ટ આખરમાં ફેડ રિઝર્વની વ્યાજદર વધારાની જાહેરાત મોકૂફ રહેતાં એફઆઇઆઇની ભારતીય ઇક્વિટીમાં લેવાલી વધી રહી છે.
આ ઉપરાંત ઇકોનોમિ - બિઝનેસ એક્ટિવિટી પ્રિ-કોવિડ સ્તર કરતાં પણ વધુ સુધરી ગઇ હોવાથી ભારતીય શેરબજારોમાં સપ્ટેમ્બર મહિનો પણ તેજીમય રહેવાની ધારણા છે. જોકે નિષ્ણાતોનું એવું કહેવું છે કે, ઇતિહાસ જોઇને નહીં, ભવિષ્યના બનાવોના આધારે શેરબજારોમાં તેજી-મંદીનો માહોલ રચાતો હોય છે. તેથી કદાચ શ્રાદ્ધપક્ષ પૂર્વે જ નિફ્ટી ૧૭,૫૦૦ અને સેન્સેક્સ ૫૯,૦૦૦ પોઇન્ટની સપાટીઓ ક્રોસ કરી જાય તો નવાઇ નહિં.
આશાસ્પદ પરિબળ
બજારમાં તેજી જળવાઇ રહેવા માટે નિષ્ણાતો કેટલાક પરિબળો સામે અંગૂલીનિર્દેશ કરે છે. જેમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં મોકૂફ રખાયેલો વધારો, એફઆઇઆઇ દ્વારા નેટ ખરીદીની નવી ઇનિંગ, દેશભરમાં લોકડાઉન હટી માર્કેટ ખુલ્લાં થયા, સરકારના ઇકોનોમિમાં ગ્રોથ માટે બૂસ્ટર ડોઝ વગેરેનો સમાવેશ થાય છે.
ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટી માટે હવે નજીકની રેઝિસ્ટન્સ ૧૭,૩૫૦ પોઇન્ટ ગણાવી શકાય. તે ક્રોસ થયા બાદ ઉપરમાં ૧૭,૫૦૦ ઝડપથી ક્રોસ થવાની શક્યતા છે. જે સાયકોલોજિકલ હર્ડલ ગણાય છે. નીચામાં ૧૭,૦૦૦ પોઇન્ટની સપાટી તૂટે તો ૧૬,૭૦૦ સુધી જઇ શકે તેવું જણાય છે. તો નિષ્ણાતોનો એક વર્ગ એવો પણ છે કે જેમના મતે સતત તેજીના પંથે દોડી રહેલા બજારમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં કરેક્શન જોવા મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter