મુંબઇઃ ભારે વરસાદે મુંબઈગરાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. રવિવાર રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર લાઇનની ટ્રેનો મોડી દોડી રહી હોવાથી કામ-ધંધે જનારાઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
વડાલા ખાતે ૩૨ માળના ટાવર લોઇડ્સ એસ્ટેટની બાઉન્ડ્રી વોલનો મોટા ભાગનો હિસ્સો જમીનમાં ધસી પડયો હતો, જેમાં વીસેક કાર કાટમાળમાં દબાઈ ગઈ હતી. લોઇડ્સ એસ્ટેટના રહેવાસીઓએ કરેલી ફરિયાદના આધારે પોલીસે દોસ્તી એકર્સના ત્રણ ગુજરાતી ડેવલપર્સ કિશન ગોરડિયા, દીપક ગોરડિયા અને રાજેશ શાહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પાલઘર જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે વૈતરણાનું પાણી વિરાર પાસેના ટ્રેક પર ફરી વળતાં સવારના સાડા દસથી બે કલાક માટે ટ્રેનો રોકવી પડી હતી.
પવઈ વિસ્તારમાં પવઈ લેક અને ડેમ છલકાઈ ગયા છે. આ મહિનામાં ભારે વરસાદે અત્યાર સુધીમાં કુલ ૮ વ્યક્તિનાં ભોગ લીધા છે. રવિવારે સાંજે જ મુંબઈમાં ચાર લોકોનાં મોત થયા હતા. મુંબઈના આઝાદ મેદાન પાસે એક વૃક્ષ ધરાશયી થતા બે લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે સોમવારે મલાડ પશ્ચિમમાં એક ૧૫ વર્ષીય કિશોરનું ખાડામાં ડૂબી જવાથી મોત થયું હતું. આ ઉપરાંત થાણેમાં દીવાલ પડતા ૧૩ વર્ષીય બાળકીનું મોત થયું હતું.
વરસાદના કારણે હિંદમાતા, ચેમ્બુર, લોઅર પરેલ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે મુંબઈ સહિત કોંકણ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે મુંબઈની લોકલ ટ્રેનો પર પણ અસર થઈ છે.
૨૦ કાર જમીનમાં ધસી પડી
મુંબઈમાં ફરી એક વખત ભારે વરસાદના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં ઠેકઠેકાણે જળબંબાકાર સ્થિતિ છે તો બીજી તરફ ભારે નુકસાનના પણ અહેવાલો છે. વડાલા વિસ્તારમાં એન્ટોપ હિલ એરિયામાં તો પોચી જમીન નીચે ધસી પડતાં તેની સાથે ૨૦ જેટલી કાર પણ કાટમાળમાં જતી રહી હતી. થાણે વિસ્તારમાં ૬૫ ફિટ લાંબી દીવાલ પડતાં તેની નીચે બે કાર દબાઈ ગઈ હતી. એન્ટોપ હિલ વિસ્તારમાં સોમવારે સવારે રહેણાંક બિલ્ડિંગની પાસે અચાનક જમીન ધસવાનું શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી. પરિસરમાં પાર્ક કરાયેલી કાર એક પછી એક કાટમાળ નીચે જતી જોવા મળી હતી. એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ દ્વારા અહીં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. આ સાથે જ આ બિલ્ડિંગ પણ ખાલી કરવાનો આદેશ અપાયો છે. આ વડાલા ઈસ્ટમાં આવેલા આ એપાર્ટમેન્ટમાં ૨૦૦ લોકો રહે છે.
ચોમાસાની આગેકૂચ
દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર હવામાન વિભાગ તરફથી આવ્યા છે. જે પ્રમાણે દિલ્હીમાં ૨૯ જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ અનુસાર, ચોમાસુ ફરી સક્રિય થયું છે અને ઉત્તરની તરફ આગળ વધી રહ્યું છે. તે ગુજરાતના પ્રદેશો, મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગ, વિદર્ભ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યો સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.