મુંબઈઃ બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ૧૯૯૩માં થયેલા મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના અપરાધી મુસ્તફા ડોસાનું ૨૮મીએ બપોરે ૨.૩૦ વાગ્યે જેજે હોસ્પિટલમાં હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયું હતું. આર્થર રોડ જેલમાં બંધ મુસ્તફા ડોસાને ૨૭મીએ મધરાત બાદ છાતીમાં દુઃખાવાની, હાઈ બીપી, ડાયાબીટિસ અને ઇન્ફ્કશનની તકલીફ થતા રાતે ત્રણ વાગ્યે જે જે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. સારવાર દરમિયાન ૨૮મીએ બપોરે ૨:૩૦ વાગ્યે તેનું મૃત્યુ થયાના અહેવાલ જે જે હોસ્પિટલના ડીન ટી. પી. લહાણેએ આપ્યા હતા. જે જેમાં જ તેના મૃતદેહનું ત્રણ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મુસ્તફા ડોસાએ સ્પેશિયલ ટાડા કોર્ટને અગાઉ જણાવ્યું હતું કે, તેને હૃદયરોગની તકલીફ છે અને તે બાયપાસ સર્જરી કરાવવા માગે છે. અગાઉ સીબીઆઈના વકીલ દીપક સાળવીએ સ્પેશિયલ ટેડા કોર્ટમાં મુસ્તફા ડોસાને ફાંસી આપવા રજૂઆત કરી હતી.
મુસ્તફા ડોસાના મૃતદેહને મરિનલાઇન્સના બડા કબ્રસ્તાનમાં દફનાવવા અંગેની કાર્યદેસર કાર્યવાહી કરાઈને પરિવારને ડોસાનો મૃતદેહ સોંપાયાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. મુસ્તફા ડોસાના મૃત્યુની ખબર મળતા જ તેનાં અનેક સંબંધીઓ અને મિત્રો હિતેચ્છુઓ અગ્રીપાડામાં તેના ઘરે જમા થવા માંડયા હતા. અંધારી આલમની વ્યકિતઓ તેના જનાજામાં સામેલ થઇ શકે એવી શક્યતા હોવાથી પોલીસે અગ્રીપાડામાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બોમ્બ બ્લાસ્ટમાં મુસ્તફાનું ભેજું
સીબીઆઇના વકીલ દીપક સાળવીએ અગાઉ દલીલ કરતાં કહ્યું હતું કે, મુસ્તફા ડોસાએ બોમ્બ બ્લાસ્ટમાં ભજવેલી ભૂમિકા એ યાકુબ મેમણ જેને ફાંસીની સજા અપાઈ છે તેના કરતાં પણ ગંભીર હોવાથી મુસ્તફાને પણ ફાંસીની સજા મળવી જ જોઈએ. મુસ્તફા ડોસાના દુબઈના ઘરે જ એ કાવતરું ઘડાયું હતું.