નવી દિલ્હીઃ ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ કહ્યું છે કે, મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો સૂત્રધાર દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે. ભારત સરકાર તેને પરત લાવવા માટે આકરા પ્રયાસ કરી રહી છે, પરંતુ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને તેને આશ્રય આપે છે. મહર્ષિએ કહ્યું હતું કે, દાઉદ કરાચીમાં છે અને ત્યાંથી જ તે પોતાના અંડરવર્લ્ડ સામ્રાજ્યને સંચાલિત કરે છે.
પાક. સરકારને અનેકવાર ડોઝિયર મોકલાયા છે કે તે દાઉદને ભારતના હવાલે કરે પણ પડોશી દેશ આ મામલે સહયોગ આપવા તૈયાર નથી. ભારતે સાર્ક દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ કરવાની તરફેણ કરી હતી.
ભારત અને પાકિસ્તાન બંને સાર્ક દેશોના સભ્યો છે. આ સાથે તેમણે જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અલગતાવાદીઓ સાથે કોઈ શરત સાથે ચર્ચા નહીં કરવામાં આવે. સરકાર ત્યાં માહોલ સકારાત્મક કરવાની તરફેણ કરે છે પણ તેના માટે કોઈ શરત સ્વીકારાશે નહીં.