મુંબઈના જિન્હા હાઉસ પર ભારતની માલિકી હશે

Friday 21st December 2018 05:55 EST
 
 

મુંબઈ: મહાનગરી મુંબઈમાં આવેલું જિન્હા હાઉસ હવે વિદેશ મંત્રાલયની સંપત્તિ બની જશે. વિદેશ મંત્રાલયે જિન્હા હાઉસનો કબજો લેવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ પ્રકારના અહેવાલ બાદ જ દુશ્મન સંપત્તિ મામલે ફરી એકવાર જોર પકડી લીધું છે. મુંબઈ સ્થિત જિન્હા હાઉસના મૂળ માલિક પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્હા (ઝીણા) હતા. હાલમાં ભારતમાં રહેતી જિન્હાની દીકરી દિના વાડિયા જિન્હા હાઉસ તેના કબજામાં રહે એ માટે ભારત સરકાર સામે લડાઈ લડી રહી છે, પરંતુ તાજેતરમાં સંસદે ૪૯ વર્ષ જૂની શત્રુ સંપત્તિ વિવાદ અધિનિયમમાં ફેરફાર કરી દીધો છે. આ ફેરફાર બાદ દેશના ભાગલા દરમિયાન દેશ છોડીને અન્ય દેશો અર્થાત પાકિસ્તાન અને ચીનમાં ગયેલા લોકોના ઉત્તરાધિકારીઓનો હવે આ પ્રકારની સંપત્તિ પર કોઈ હક-દાવો રહેતો નથી. સરકાર આ સંપત્તિને હવે પોતાના કબજામાં લઈને વેચવાની તૈયારીમાં છે. નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ જિન્હા હાઉસ હવે વિદેશ મંત્રાલયની સંપત્તિ તરીકે જાહેર કરાશે. આ કિસ્સો દિલ્હી સ્થિત હૈદ્રાબાદ હાઉસ જેવો છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતના મહિનામાં કેન્દ્ર સરકારે શત્રુ સંપત્તિ વેચવાની કવાયત તેજ કરી હતી. આના કારણે સરકારે પોતાના ખજાનામાં લગભગ રૂ. એક લાખ કરોડની વૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્ર સરકારે મુખ્ય સંરક્ષણ કાર્યાલય અર્થાત કસ્ટોડિયનને આ વર્ષે જૂન-જુલાઈ સુધી તમામ શત્રુ સંપત્તિઓની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. શત્રુ સંપત્તિ પર નિયંત્રણ અને દેખરેખ માટે ગૃહ મંત્રાલયે પણ આદેશ કર્યો હતો. મંત્રાલયના આદેશ બાદ જે જિલ્લાઓ અને રાજ્યોમાં શત્રુ પ્રોપર્ટી છે, એના મૂલ્યાંકન માટે કમિટી રચાઈ છે, જેની અધ્યક્ષતા જિલ્લાધિકારીના હાથમાં છે.

શત્રુ સંપત્તિ એટલે શું?

ભારતના ભાગલા બાદ દેશ છોડીને ગયેલો લોકો સહિત, ૧૯૬૨ના ભારત-ચીનના યદ્ધ અને ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ ભારત સરકારે આ દેશોના નાગરિકોની સંપત્તિ સીઝ કરી દીધી હતી. આ સંપત્તિને શત્રુ સંપત્તિ જાહેર કરાઈ હતી. આ સંપત્તિમાં જમીન, મકાન, ખેતર, શેર, બેંક બેલેન્સ, પ્રોવિડન્ડ ફંડ સહિત કેટલીય અચલ અને ચલ ચીજ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter