મુંબઈનાં મેયર દિવસે રાશન-દવા પહોંચાડે છે અને રાત્રે નર્સ તરીકે સેવા આપે છે

Saturday 09th May 2020 06:58 EDT
 
 

મુંબઈઃ કિશોરી પેડનેકર મુંબઈમાં મેયર તરીકેની જવાબદારી તો સુપેરે સંભાળે જ છે, પણ સરાહનીય બાબત એ છે કે તેઓ રાત્રે નર્સ તરીકે સેવા આપી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની સેવા કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. કિશોરી પેડનેકર જણાવે છે કે તેમણે તાજેતરમાં દક્ષિણ મુંબઈની હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપવા માટેનો નિર્ણય કર્યો છે. કિશોરીએ ૧૯૭૯માં એએનએમનો કોર્સ કર્યો હતો. મુંબઈની સાયન હોસ્પિટલમાંથી તેમને કોરોના અંગે અને તેના દર્દીઓની સારવાર અંગે ફોન આવ્યો હતો. કિશોરીએ જણાવ્યું હતું કે, રાતે તેઓ મુંબઈની નાયર હોસ્પિટલમાં આઠ કલાકની ડ્યૂટી નિભાવવા તૈયાર થયાં હતાં. કિશોરી કહે છે કે, જે હોસ્પિટલમાંથી ફોન આવશે ત્યાં ડ્યૂટી કરવા જઈશ.
સાયન હોસ્પિટલમાં ઘણા દિવસોથી એક નવા નર્સની કામગીરી જોઈને પણ અન્ય સ્ટાફ પ્રેરણા મેળવી રહ્યો છે. મેયર કિશોરી પેડનેકર દિવસે મેયર તરીકે કાર્યરત રહે છે અને રાત્રે તેઓ હોસ્પિટલમાં સેવા આપે છે તેથી તેમની બેગમાં અન્ય જરૂરી સામાનની સાથે નર્સનો યુનિફોર્મ પણ હોય છે. કિશોરી પેડનેકર સાથે સેવાકાર્યોમાં કાર્યરત લોકો કહે છે કે કિશોરીબહેન મેયર હોવાના નાતે કાર્યકર્તાઓ અને સ્થાનિક અધિકારીઓની સાથે સ્લમ અને બાકીના વિસ્તારોની વ્યવસ્થા પણ જોવા જાય છે. દિવસમાં તેઓ મેયર તરીકે બધાં કામ નિષ્ઠાથી પૂરાં કરે છે. આ કામમાં સ્લમ એરિયામાં ખાવાની વ્યવસ્થાથી લઈને દવાઓ અને બાકીની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવાનું સામેલ છે. કિશોરી લગ્ન પહેલાં નર્સની નોકરી કરતાં હતાં. તેમના જણાવ્યા મુજબ તેમણે ૧૯૭૯માં થાણેમાંથી એમએનએમનો કોર્સ કર્યો હતો. કિશોરીનાં પિતા દશરથ કાવલે મિલ વર્કર હતાં અને માં ચારુશિલા ગૃહિણી હતાં. કિશોરીબહેનના જણાવ્યા અનુસાર ચાર બહેનો અને એક ભાઈનો ખર્ચ ખૂબ વધારે હતો. આ કારણે પિતાએ અમારો આગળનો અભ્યાસ રોકી દીધો. એએનએમનો કોર્સ કર્યા બાદ જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં કિશોરીબહેને નોકરી શરૂ કરી હતી.
કિશોરીબહેન જણાવે છે કે, આ મહામારીના સમયમાં હું ભણી તે કામ ન લાગે તે શું કામનું? મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરી હતી કે જેમને મેડિકલ ફિલ્ડનું કામ આવડે છે તેઓ મેદાનમાં આવે. કોરોના એક જંગ છે જેમાં આપણે જીતવાનું છે. મહારાષ્ટ્રને જ્યારે જરૂરિયાત છે ત્યારે મેદાનમાં નહીં આવીએ તો ક્યારે આવીશું? મને નર્સનું કામ આવડે છે તો મુખ્ય પ્રધાનની અપીલ અને હોસ્પિટલોની જરૂરિયાતને જોતાં હું કોઈ પણ સંજોગોમાં ઘરે રહીશ નહીં.
કિશોરીબહેન કહે છે કે, કોઈ પણ કાર્યમાં તમારા પરિવારનો સાથ મળે તો તમારા મન પરનો બોજો ઘણો ઓછો થઈ જાય છે. મારા પતિ મારા દરેક કાર્યોમાં સંપૂર્ણ સાથ આપે છે એટલે સુધી કે લગ્ન બાદ પતિએ અભ્યાસ પૂર્ણ કરાવ્યો હતો. ધીરે ધીરે શિવસેનાનાં મહિલા નેતા મંદાકિની ચૌહાણની સાથે સમાજ સેવાના કામમાં લાગી હતી અને ત્યાંથી રાજકીય યાત્રા શરૂ થઈ. કિશોરી જણાવે છે કે, પહેલાં મુંબઈમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે હોસ્પિટલમાં જતી હતી, જોકે હવે યુનિફોર્મમાં જવા લાગી હોવાથી તેમનો જુસ્સો હજી વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter