મુંબઈઃ સેન્ટ્રલ રેલવેના પરેલ સ્ટેશન અને વેસ્ટર્ન રેલવેના એલફિન્સ્ટન સ્ટેશનને જોડનારા પુલ પર અફવાના કારણે દોડધામ મચી જતાં ૨૨ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે ૧૦૦થી વધુને નાનીમોટી ઇજા થઇ છે. તમામ અસરગ્રસ્તોને કેઇએમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઇ રહી છે.
શુક્રવારે સવારે લગભગ ૧૦-૪૫ વાગ્યાની આસપાસ પીકઅવર્સમાં માનવમેદનીથી ખીચોખીચ ભરેલા પુલ પર અફવા ફેલાઇ હતી કે પુલનો એક ભાગ તૂટી પડ્યો છે. આ સમાચાર ફેલાતાં જ ગભરાટના કારણે પ્રવાસીઓમાં બેફામ ભાગદોડ મચી ગઈ હતી.
અહેવાલ અનુસાર સાડા દસ વાગ્યાની આસપાસ વરસાદ પડતો હોવાના કારણે અનેક પ્રવાસીઓ પુલ પર જ અટવાઇ ગયા હતા. તેમજ પીક અવર્સના કારણે પરેલ અને એલ્ફિસ્ટન બંને સ્ટેશન પર એક પછી એક લોકલ ટ્રેન આવતી હોવાના કારણે સતત ગીરદી વધી રહી હતી.
આ સમયે જ પુલના છાપરાનો એક ભાગ તૂટવાનો અવાજ આવ્યો. આ અવાજ સાંભળીને અફવા ઉડી કે પુલનો એક ભાગ તૂટી પડ્યો છે. જેના કારણે લોકો જીવ બચાવવા માટે જેમ-તેમ દોડવા લાગ્યા. જેના કારણે અંધાધૂંધી મચી હતી તેવું કેટલાક નજેરે જોનારાઓએ જણાવ્યું છે.
વરસાદના કારણે પુલ પરથી કેટલાક લોકો લપસી પડ્યા હતા. તેના પર દોડી રહેલા લોકો પ્રવાસીઓ પડ્યા હતા. જ્યારે કેટલાક પ્રવાસીઓએ પુલ પરથી જ નીચે કૂદકો મારતા ઘાયલ થયા હતા. હાલ મૃત્યુઆંક ૨૨ સુધી પહોંચી ગયો છે જે હજુ વધવાની શક્યતા છે.
પરેલ-એલફિન્સ્ટન પુલ પર થતી ભીડ અંગેનો પ્રશ્ન કેટલાય વર્ષોથી મુખ્ય મુદ્દો છે. સાંજના સમયે પુલ પર એટલી ભીડ હોય છે તેને નિયંત્રિત કરવા માટે પોલીસ જવાનોને તૈનાત કરવા પડે છે. આ પૂલને પહોળો કરવા માટે અથવા નવો બનાવવા ઉપરાંત પરેલને ટર્મિનસ બનાવવા પણ ચર્ચા કરવામાં આવી છે. જોકે આ અંગે કોઈ નક્કર પગલા ભરવામાં નહોતા નથી.