મુંબઈઃ ભારતનાં પાંચ રાજ્યો - મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં કોરોનાએ માઝા મૂકી છે. કોરોનાના નવા કેસોમાં તીવ્ર ઝડપે ઉછાળો નોંધાતા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
મુંબઇમાં જ ૧૫ દિવસમાં કોરોનાનાં નવા કેસમાં ૩૬.૩૮ ટકાનો વધારો થયો છે. ૮ ફેબ્રુઆરીનાં રોજ દરરોજ નોંધાતા નવા કેસની સંખ્યા ૫૩૩૫ હતી જે રવિવારે વધીને ૭૨૭૬ થઈ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકલ ટ્રેન ચાલુ કરાતા તેમજ નાગરિકો દ્વારા કોરોના સામે રક્ષણમાં બેદરકારીને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. યવતમાલમાં તો લોકડાઉન લાગુ કરાયું છે.
નાગપુરમાં સત્તાવાળાઓએ ૭ માર્ચ સુધી સ્કૂલો અને કોલેજો, કોચિંગ ક્લાસિસ બંધ રાખવા આદશ આપ્યો છે. પ્રતિબંધોનાં આ ગાળામાં દર શનિવાર-રવિવારે બજારો બંધ રહેશે. મેરેજ હોલ પણ બંધ રાખવામાં આવશે. સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બંધ રાખવા પડશે.

