મુંબઈઃ અહિંસા અને સંયમને પુરસ્કૃત કરતા જૈન ધર્મને કાળી ટીલી લાગે એવી ઘટના દહિસર (પૂર્વ)ના મિસ્કિટા નગરના શ્રી દહિસર અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રયમાં બની છે. ૪૧ વર્ષના જૈન મુનિ પરમાનંદસાગર પૂર્વાશ્રમના ઠાકુરસિંહ ખીમજીભાઇ રોજભોરે પાંચ વર્ષની બાળકી સંજના (નામ બદલ્યું છે) પર એક નહીં બે નહીં, પણ ત્રણ – ત્રણ વાર જાતીય અત્યાચાર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીડિત બાળકીના પરિવારે પાંચ એપ્રિલે આ લંપટ મુનિને પોલીસ હવાલે કરતાં તેની ધરપકડ કરાઇ છે. મુનિ સામે બળાત્કાર તેમજ પોકસો સહિત ભારતીય દંડસંહિતાની અન્ય કલમો હોઠળ ગુનો નોંધાયો છે. મુનિને કોર્ટમાં રજૂ કરતાં તેના ૧૦ એપ્રિલ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.
આ ઘટના બાદ દહિસર સંઘે તેમના ધાર્મિક વસ્ત્રો ઉતારી લીધાનુ કહેવાય છે. સંઘનું કહેવું છે કે મુનિને પોલીસ પકડી ગઈ છે ત્યારથી એ તેમના જ કબજામાં છે. સંઘ તરફથી તેમની સાથે કોઇ સંપર્ક નથી. પોલીસે તેમની સાથે કરેલા વ્યવહારની સંઘને જાણ નથી. આ બાબતે સાધુસંતો તરફથી અમને હજી સુધી કોઇ આદેશ અપાયો નથી.
પોલીસ ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું છે કે મંગળવારે રામનવમીની રજા હોવાથી મારી દીકરી ઘરે જ હતી ત્યારે તેને વિચિત્ર વ્યવહાર કરતાં જોઇને હું ચોંકી ઊઠી હતી અને આવું કેમ કરે છે એમ પૂછયું ત્યારે તેણે કહ્યું કે એક અંકલ હોલમાં લઇ જઈને ચોકલેટ આપી ત્રણ દિવસથી મારી સાથે આવું કરે છે. આથી તેને એ જગ્યાએ (ઉપાશ્રયમાં) લઈ ગયા તો તેણે આરોપીની સામે આંગળી ચિંધી તેણે કહ્યું હતું કે આ અંકલ ખરાબ કામ નાખે છે.
મુનિ અંજારના વતની
મૂળ અંજારના ટપ્પર ગામના પરમાનંદસાગર મુનિ થોડા દિવસોથી જ દહિસર આવ્યા હોવાનું કહેવાય છે. શ્રી દહિસર અચલગચ્છ જૈન સંઘના પદાધિકારી અશોકભાઈ ગડાએ આ બાબતે કહ્યું છે કે જે ઘટના થઇ છે એ ખોટી થઇ છે, તેનો બચાવ ન જ થઇ શકે. હાલ પોલીસે મુનિની ધરપકડ કરી છે અને તે વધુ કાર્યવાહી કરી રહી છે. એક અહેવાલ અનુસાર પરમાનંદમુનિ સામે આ પહેલાં ગુજરાતમાં પણ કેટલાક આક્ષેપો થયા હતા. જોકે તેમને એ વખતે પણ છાવરી લેવાયા હતા અને ભીનું સંકેલી લેવાયું હતું.