મુંબઈઃ મુંબઈમાં પડેલા ભારે વરસાદ બાદ પછી જે જે રોડ પર આવેલી ૩ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં ૬ વ્યક્તિનાં મોત થયાં છે અને ૧૩ લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગના કાળમાળમાં ૩૦થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. આ બિલ્ડિંગમાં નવ જેટલા પરિવાર રહેતા હતા. ઉપરાંત વરસાદના કારણે મંગળવારથી ગુમ થયેલા બોમ્બે હોસ્પિટલના ડોક્ટર દીપક અમરાપુરકરનો મૃતદેહ વર્લી દરિયાકાંઠેથી મળી આવ્યો છે.
ધરાશાયી થયેલી બિલ્ડિંગ દક્ષિણ મુંબઈના ભીંડી બજારમાં આવેલી છે. નેશનલ ડિફેન્સની રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ અને ફાયર બ્રિગેડ તુરંત જ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી હતી.
ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉત્તર કોંકણ અને ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં ૩૧મી ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત મુંબઈ, થાણે તથા આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
બોમ્બે હોસ્પિટલના ડોક્ટરનો મૃતદેહ મળ્યો
બોમ્બે હોસ્પિટલના જાણીતા ગેસ્ટ્રોસર્જન ડો. દીપક અમરાપુરકર વરસાદના કારણે મંગળવારે સાંજે એલફિનસ્ટોન રોડ સ્ટેશન નજીકથી ગુમ થયા હતા. દીપક હોસ્પિટલથી લોઅર પરેલમાં આવેલા તેમના ઘરે જવા નીકળ્યા હતા. સડક નજીક આવેલા મેનહોલ પાસેથી બુધવારે તેમની છત્રી મળી હતી. વર્લીના દરિયાકાંઠેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.