મુંબઈઃ મુંબઈમાં સોમવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે અંધેરી સબ-વે, મલાડ સબ-વે, કુર્લા, એલિફિસ્ટન સ્ટેશન, દાદર, લોઅર પરેલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં રહીશોનાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. કેઈએમ હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયાં છે. ભારે વરસાદને કારણે ૨૮મીએ સાંજે મુંબઈ અને આસપાસના ગામને હાઈ એલર્ટ પર મુકાયાં ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવાની સૂચના તંત્ર દ્વારા અપાઈ છે. દરિયાકિનારાથી પણ લોકોને દૂર રહેવાની ચેતવણી સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. અતિ વરસાદના કારણે મુંબઈમાં સ્કૂલ, કોલેજોમાં મંગળવાર તથા બુધવારની રજા જાહેર કરાઈ હતી.
૧૦૦ મિમી વરસાદ
મંગળવારે મુંબઈમાં જ ૧૦૦ મિમી વરસાદ નોંધાયો હતો. પાણી ભરાવાથી સીધી અસર ટ્રેન અને રોડ ટ્રાન્સપોર્ટ પર પડી હતી. અનેક વિસ્તારોમાં લોકલ ટ્રેન મંગળવારે રદ કરી દેવાઈ હતી. લો વિજિબિલિટીના કારણે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એર પોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને થોડા સમય માટે રોકી દેવાયું હતું.
ફડણવીસે વિગતો મેળવી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૮મીએ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને મુંબઈની વર્તમાન સ્થિતિ જાણી હતી. ઉપરાંત મુંબઈ પોલીસ સાથે હોટલાઇન પર વાત કરી હતી.
પૂરની સ્થિતિમાં એનડીઆરએફની ૩ ટીમો મુંબઈમાં એલર્ટ પર રાખવામાં આવી છે. ૨ એડિશનલ ટીમને પુણેથી મુંબઈ મોકલાઈ છે. મુંબઈ પોલીસે મંગળવારે ટ્વિટમાં કહ્યું કે, શહેરમાં અનેક વિસ્તારમાં વોટર લોગિંગ થવાની ટ્રાફિક ધીમો અને અનેક જગ્યાએ જામ છે. તેથી જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળો. પાણીના કારણે જો તમે ક્યાંય ફસાઇ ગયા હો તો ૧૦૦ નંબર ડાયલ કરો અથવા અમને ટ્વિટર પર જાણ કરો.
ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ
બાંદ્રા-વર્લી સીલિંક પર આગળનો ટ્રાફિક ક્લિયર કરાવવા માટે સૌપ્રથમ વખત મંગળવારે ટ્રાફિક અટકાવ્યો હતો. ૨૮મી અને ૨૯મીએ મુંબઈની લોકલ ટ્રેન અડધાથી પોણો કલાક લેટ રહી હતી.
બિહારમાં સ્થિતિ ભીષણ
ઉલ્લેખનીય છે કે બિહાર પણ ભીષણ પૂરસંકટનો સામનો કરી રહ્યું છે અને પૂરસંકટે ૪૪૦ લોકોનો ભોગ લીધો છે. બિહારમાં પૂરની સ્થિતિ વણસતાં કેન્દ્ર દ્વારા બિહારને રૂ. ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરાઈ છે.