મુંબઈઃ છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદથી સોમવારે મુંબઈગરો તોબા પોકારી ગયા હતા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા હતા. રવિવાર અને સોમવાર એમ ૪૮ કલાકમાં પડેલા વરસાદે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. દર વર્ષે જૂનમાં પડતો કુલ વરસાદ માત્ર બે દિવસમાં જ પડ્યાનું નોંધાયું હતું.
વાહનવ્યવહાર ઠપ્પ
મુંબઈમાં વાહનવ્યવહાર તેમજ લોકલ ટ્રેન સેવા પર પણ વરસાદની ગંભીર અસર પડી હતી. રેલવેના પાટા પર પાણી ભરાવવાને કારણે સોમવારે ૧૩ ટ્રેનો રદ કરવી પડી હતી. સ્કૂલે જતા બાળકો, ઓફિસે જતા કર્મચારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વીજ કરંટને કારણે અંધેરીમાં એક મહિલા થાણેમાં એક વ્યક્તિ અને ગોરેગાંવમાં બે લોકોનાં મોત થયાં હતાં.
કુર્લા, સાંતાક્રૂઝ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી કુર્લા ડેપોથી બીકેસી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. દાદર હિંદમાતા અને કિંગ્ઝ સર્કલ ફ્લાયઓવર પર પણ ટ્રાફિક જામ થયો હતો. ચેમ્બુરમાં એક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મલાડ-વિલેપાર્લે વચ્ચે પૂરા ભાગમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઉપરાંત લાલબાગ, દાદર, હિંદમાતા, કુર્લા, સાયન, માટુંગા, ચેમ્બૂર, ગોવંડી, કિંગ્ઝ સર્કલ, ધારાવી, ભાંડુપ, કાંજુર માર્ગ, વરલી, વિક્રોલી અને ઘાટકોપર વિસ્તારોમાં ઘૂંટણસમા પામી ભરાયા હોવાથી સ્થાનિકોએ પારવાર હાલાકી ભોગવવી પડી હતી. આ વિસ્તારોમાં પાલિકાએ પાણી ખેંચી કાઢવા માટે પંપ બેસાડ્યા ન હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
માછલીઓ ડ્રમમાં ભરીને દરિયામાં છોડવામાં આવી
જૂહુ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કમ હેલિપોર્ટ છે. અહીં નાના વિમાન અને હેલિકોપ્ટર લેન્ડ થાય છે. અહીં રન-વે પર કેટફિશ માછલીઓની ભરમાર જોઈને એરપોર્ટ અધિકારીઓ અને પાઇલટો હેરાન થઈ ગયા હતા. રનવે પર મોજુદ આ માછલીઓમાંથી અમુક તો ત્રણ ફૂટ લાંબી હતી.
મુંબઈમાં જૂહુ એરપોર્ટ નીચાણવાળા વિસ્તારમાં છે એની આસપાસ તળાવ અને નાળું તેમજ અરબી સમુદ્ર છે. અરપોર્ટ પરની માછલીઓને ડ્રમમાં ભરીને દરિયામાં છોડવામાં આવી હતી.


