મુંબઈમાં સાડા ત્રણ મહિનામાં ૩૪૬૭ મિમી વરસાદ, ૬૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Wednesday 25th September 2019 08:38 EDT
 

મુંબઈ, પ્રયાગરાજઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા સાડા ત્રણ મહિનાના વરસાદનો ૬૫ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ વર્ષે મુંબઈમાં ૧ જૂનથી ૧૭ સપ્ટેમ્બર સુધી ૩૪૬૭ મિમી વરસાદ થયો છે. અગાઉ અહીં આ સમયમાં ૧૯૫૪માં ૩૪૫૧ મિમી વરસાદ પડ્યો હતો. વિભાગે ૧૯મીએ કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અનિયમિત ગરમી અને ઠંડીથી મુંબઈ પર વાદળો બની રહ્યાં છે. આ ઉપરાંત પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદી જોખમી સ્તરે વહેતી હોવાના અહેવાલ હતા. પૂરમાં ફસાયેલા પાંચ લાખ લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ કામે હોવાનું જણાવાયું હતું. દક્ષિણ મધ્ય પ્રદેશમાં નિયમિત અંતરાલ પછી દબાણનું ક્ષેત્ર સર્જાઈ રહ્યું છે. તેનાથી મુંબઈ અને તેની આજુબાજુના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
કટોકટીને પહોંચી વળવા મહારાષ્ટ્રમાં ડ્રોનથી દવાઓ
મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં ઘડેલી યોજનામાં પૂર, આગ, ભૂકંપ જેવી કટોકટીની પરિસ્થિતિમાં અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોનથી જરૂરી દવાઓ, બ્લડ, વેક્સીન અને જરૂરી સામાન મોકલશે. રાજ્ય સરકારે આ માટે યુએસ કંપની ઝિપલાઇન સાથે કરાર કર્યો છે. આ સેવા ૨૦૨૦માં ઘડનારું દેશનું પ્રથમ રાજ્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter