મુંબઈમાં સીએસટી ફૂટ ઓવરબ્રિજનો સ્લેબ તૂટતાં પાંચનાં મોત

Friday 15th March 2019 07:52 EDT
 
 

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફાર્મ નંબર એક અને અંજુમને ઇસ્લામ સ્કૂલ બિલ્ડિંગ પાસેની ગલીમાં ઊતરતા ફૂટ ઓવરબ્રિજનો અડધા કરતાં વધુ સ્લેબ ૧૪મીએ સાંજે ૭:૩૦ વાગ્યે તૂટી પડયો હતો. સ્લેબનો કાટમાળ નીચેથી પસાર થઈ રહેલાં વાહનો પર પડતાં કેટલાક વાહનચાલકો તેની નીચે દટાઈ ગયા હતા. શરૂઆતની માહિતી મુજબ સૂત્રોના જણાવ્યા અનુસાર ૨ મહિલાઓ અપૂર્વા પ્રભુ અને રંજના તાંબે સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૩૬ કરતાં વધુ લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. જેમાંથી પાંચથી ૬ જણ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું હતું. સ્થાનિક લોકોએ પણ શરૂઆતમા બચાવકાર્યમાં મદદ કરી હતી. અનેક લોકો હજી કાટમાળ હેઠળ ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી હતી. મૃતકોનો અને ઘાયલોનો આંકડો વધી શકે એવી આશંકા હતી.

રિપેરિંગનું સૂચન હતું

સ્ટ્રક્ચરલ ઓડિટમાં રિપેરિંગનું સૂચન કરાયું હતું છતાં થીંગડા મારીને કામ ચલાવાયું હતું. આ બ્રિજને સવારે જ રિપેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં પણ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. આ બ્રિજ મુંબઈ મહાનગરપાલિકાની અન્ડર આવે છે. આ જ બ્રિજ આગળ જતાં રેલવેબ્રિજને કનેક્ટ થાય છે જે સીએસએમટીની બહારગામની ગાડીના પ્લેટફાર્મ સુધી લંબાય છે. થોડા વખત પહેલાં જ તેનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાયું હતું અને તેને રિપેર કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી, પણ એમ છતાં નઘરોળ તંત્ર દ્વારા માત્ર નાનામોટા થીંગડા મારી કામ ચલાવી રખાયું હતું.

કસાબ બ્રિજ તરીકે પણ ઓળખાતો

આ ફૂટ ઓવરબ્રિજ એ જ બ્રિજ છે જેનાપરથી ૨૬/૧૧ ના મુંબઈ હુમલા વખતે અજમલ કસાબ સીએસએમટી સ્ટેશનથી ટાઇમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ અને કામા હોસ્પિટલ તરફ જઈને નરસંહાર કર્યો હતો. અહીંયાથી તેણે ગોળીબાર કર્યા હતા અને લોકો ઉપર હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. એથી ત્યાર બાદ આ બ્રિજ અજમલ કસાબ બ્રિજ તરીકે પણ જાણીતો થયો હતો.

એક વર્ષમાં બ્રિજ તૂટવાની બીજી ઘટના

વર્ષ દરમિયાન બ્રિજ તૂટવાનો બીજો ગંભીર બનાવ બન્યો હતો. ગયા વર્ષે અંધેરીમાં જી. કે. ગોખલે રોડ ઓવરબ્રિજ પડવાની ઘટના બની હતી જેમાં બેનાં મોત થયા હતા. પોલીસ સત્તાવાળા અનુસાર ધસારાના સમયે સાંજે ૭.૨૫ વાગ્યે સીએસએમટી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર વન અને બીટી લેન વચ્ચેના એક ફૂટ ઓવરબ્રિજના સ્લેબનો કાટમાળ નીચેથી પસાર થઇ રહેલા વાહનો પર પડતા કેટલાક વાહનચાલકો તેની નીચે દટાઈ ગયા હતા. શરૂઆતની માહિતી મુજબ સૂત્રોના જણાવ્યા અનુસાર ૨ મહિલાઓ અપૂર્વા પ્રભુ અને રંજાના તાંબે તેમ જ બે પુરુષના એમ ચારનાં મોત થયાં છે અને ૩૪ કરતાં વધુ લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. જેમાંથી પાંચથી ૬ જણ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું હતું. પાલિકા, પોલીસ અને રેલવેના પણ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ક્રોફર્ડ માર્કેટથી સીએસએમટી તરફ અને સીએએસએમટીથી ક્રોફર્ડ માર્કેટ તરફ જઈ રહેલી એમ બંને લેનનો ટ્રાફિક રોકી દેવાયો હતો. પ્રારંભિક ધોરણે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવે અને ફાયર વિભાગના કર્મચારીઓ મદદે આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter