મુંબઈઃ મહાનગરના ભાંડુપમાં આવેલા ડ્રીમ્સ મોલમાં શુક્રવારે મોડી રાત્રે ભભૂકી ઊઠેલી આગની જ્વાળાઓ ચોથા માળે આવેલી સનરાઇઝ હોસ્પિટલ સુધી પહોંચી હતી, જેમાં ૧૧ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. સનરાઇઝ હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળાઈ જવાને કારણે તેમજ શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે આ દર્દીઓનાં મોત થયાં હતાં. મૃતકો પૈકી કેટલાક તો વેન્ટિલેટર પર હતા. ઘટના વખતે હોસ્પિટલમાં ૭૮ દર્દીઓને સારવાર અપાતી હતી.
ઘટનાની જાણ થતાં જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. મૃતકોનાં પરિવારજનોને રૂ. ૫-૫ લાખના વળતરની જાહેરાત કરી હતી. ઠાકરે આ હોનારત અંગે લોકોની માફી માગી હતી અને જવાબદારોને બક્ષવામાં આવશે નહીં તેવી ચીમકી આપી હતી. તેમણે મૃતકોનાં પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી.
કોરોનાને કારણે હોસ્પિટલની પરવાનગી અપાઈ હતી, જેની મંજૂરીની મુદ્દત ૩૧ માર્ચે પૂરી થતી હતી. ઠાકરેએ કહ્યું કે, મોલની કોઈ દુકાનમાં આગ લાગી હતી જે હોસ્પિટલ સુધી પહોંચી હતી. બાંગ્લાદેશની મુલાકાતે ગયેલા વડા પ્રધાન મોદીએ પણ ઘટનામાં માર્યા ગયેલાઓ પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
સુપ્રીમના સૂચનની ઐસી કી તૈસી...
અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની અને આઈસીયુમાં ભરતી દર્દીઓ ભડથું થવાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ કોવિડ હોસ્પિટલો માટે ફાયર સેફ્ટી અને અન્ય સુવિધાઓ મુદ્દે સૂચનો જારી કરવામાં આવ્યા હતા. આમ છતાં મોલની અંદર હોસ્પિટલને પરવાનગી અપાઇ હતી અને તેમાં પણ તેને કોવિડ હોસ્પિટલમાં ફેરવી નંખાઇ હતી.