મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

Tuesday 01st October 2019 13:23 EDT
 
 

નવી દિલ્હીઃ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનાઢ્ય ભારતીયોની યાદીમાં ટોચના સ્થાને રહ્યા છે. તેમની કુલ સંપત્તિ ૩,૮૦,૭૦૦ કરોડ રુપિયા આંકવામાં આવી છે. આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયાની યાદી મુજબ લંડનમાં સ્થિત એપસી હિન્દુજા અને તેમનું પરિવાર ૧,૮૬,૫૦૦ કરોડ રુપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા ક્રમે રહ્યા છે.
આ યાદીમાં ત્રીજા સ્થાને અજીમ પ્રેમજી છે, જેમની કુલ સંપત્તિ ૧,૧૭,૧૦૦ કરોડ રુપિયા છે. જો કે આ યાદીમાં ૧ હજાર કરોડ રુપિયાથી વધારે સંપત્તિ ધરાવતા ભારતીયોની સંખ્યા વધીને ૯૫૩ થઇ હતી. ગત વર્ષે આ આંકડો ૮૩૧ હતો. બીજી તરફ ડોલરના મૂલ્યમાં અરબપતિઓની સંખ્યા ૧૪૧થી ઘટીને ૧૩૮ પર આવી પહોંચી છે.
આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયાના અહેવાલ મુજબ દેશના ૨૫ ધનાઢ્યોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતની GDPના દસ ટકા સમાન છે જ્યારે ૧ હજાર કરોડથી વધારે સંપત્તિ ધરાવતા ૯૫૩ ધનાઢ્યોની કુલ સંપત્તિ દેશની GDPના ૨૭ ટકા જેટલી છે.
આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયાની યાદી મુજબ લક્ષ્‍મી મિત્તલ ૧,૦૭,૩૦૦ કરોડ રુપિયાની સંપત્તિ સાથે ચોથા ક્રમે છે. જ્યારે ગૌતમ અદાણી ૯૪,૫૦૦ કરોડ રુપિયાની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે. દસ ધનાઢ્ય ભારતીયોમાં ઉદય કોટક ૯૪,૧૦૦ કરોડ રુપિયાની કુલ સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે, ૮૮,૮૦૦ કરોડ રુપિયાની કુલ સંપત્તિ સાથે સાઇરસ એસ પૂનાવાલા સાતમા ક્રમે ૭૬,૮૦૦ કરોડ રુપિયાની કુલ સંપત્તિ સાથે સાઇરસ પલ્લોનનદી મિસ્ત્રી આઠમાં ક્રમે, ૭૬,૮૦૦ કરોડ રુપિયાની કુલ સંપત્તિ સાથે શાપોરજી પલ્લોનજી નવમાં ક્રમે અને ૭૧,૫૦૦ કરોડ રુપિયાની કુલ સંપત્તિ સાથે દિલીપ સાંધવી દસમાં ક્રમે છે.
રિપોર્ટ મુજબ આ વર્ષે ધનાઢ્યોની કુલ સંપત્તિમાં સામૂહિક રીતે બે ટકાનો વધારો થયો છે. જો કે સરેરાંશ સંપત્તિ વૃદ્ધિદરમાં ૧૧ ટકાનો ઘટાડો થયો હોવાનો દર્શાવવામાં આવ્યું હતું. યાદીમાં સામેલ ૩૪૪ ધનાઢ્યોની સંપત્તિમાં આ વર્ષે ઘટાડો નોંધાયો હોવાના અહેવાલ છે. ૧૧૨ ધનાઢ્યો એવા પણ રહ્યા જે એક હજાર કરોડ રુપિયાની કુલ સંપત્તિની યાદીમાં સામેલ થઇ શક્યા નથી.
રિપોર્ટ મુજબ ૨૪૬ ભારતીય ધનાઢ્યો દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વસવાટ કરે છે. દિલ્હીમાં ૧૭૫ જ્યારે બેંગ્લુરુમાં ૭૭ ધનાઢ્યો વસવાટ કરી રહ્યા છે. આ યાદીમાં ૮૨ એનઆરઆઇ ભારતીયો પણ સામેલ છે, જેમાં સૌથી વધારે ૩૧ ધનાઢ્ય એનઆરઆઇ અમેરિકામાં વસે છે.
યાદી મુજબ ઓયો રુમ્સના રિતેશ અગ્રવાલ ૭૫૮૦૦ કરોડ રુપિયાની સંપત્તિ સાથે સૌથી નાની ઉંમર (૨૫ વર્ષ)ના ભારતીય ધનાઢ્ય છે. આ યાદીમાં મીડિયા.નેટના ૪૦ વર્ષના દિવ્યાંક તુરાખિયા પણ સામેલ છે. મહિલાઓની વાત કરીએ તો ૧૫૨ ધનાઢ્ય મહિલાઓ આ યાદીમાં સામેલ છે. જેમાં એચસીએલ ટેકનોલોજીની ૩૭ વર્ષના રોશની નડાર સૌથી તંવગર ભારતીય મહિલા છે. ત્યારપછીના ક્રમમાં ગોદરેજના સ્મિતા વી કૃષ્ણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter