નવી દિલ્હી: દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને દિલ્હીના હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકાની સગાઈની ચર્ચા ચાલી રહી છે. જોકે, બંને પરિવારોએ આ અંગે હજી મૌન સેવ્યું છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં સગાઈની જાહેરાત અને ડિસેમ્બરમાં લગ્ન થાય તેવી શક્યતા છે.
આકાશ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર છે અને શ્લોકા મહેતાના પિતા રસેલ મહેતા રોઝી બ્લ્યૂ ડાયમંડના માલિક છે. બંને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણેલા છે. આ મુદ્દે અંબાણી પરિવારના પ્રવક્તા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને કરેલા ઇમેલનો કોઈ જવાબ મળ્યો નથી.
અંબાણી પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ આકાશની સગાઈ કે લગન અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગાઈ ૨૪મી માર્ચે થવાની શક્યતા છે. જોકે રોઝી ડાયમન્ડઝના સૂત્રો આ અંગે મૌન છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ સંતાન છે સૌથી મોટા આકાશ અને ઇશા જોડિયા ભાઈ-બહેન છે. આકાશ હાલમાં રિલાયન્સ જીઓના બોર્ડમાં છે. શ્લોકા મહેતાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૨૦૦૯માં અભ્યાસ પૂરો કરી એન્ટ્રોલોલોજીનો અભ્યાસ કરવા પ્રિન્કટમ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. તે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સમાં કાયદાની ડિગ્રી પણ ધરાવે છે. તે હાલમાં ‘કનેક્ટ ફોર’ નામની સંસ્થાની સહસ્થાપક છે. તે વિવિધ એનજીઓ અન સ્વયંસેવકોનો સંપર્ક કરાવે છે. રસેલ મહેતાની બીજી પુત્રી ન્યૂ યોર્ક અને પુત્ર હોંગકોંગમાં સ્થાયી થયા છે.