મુક્તિનો માર્ગ સરળ નથીઃ સંજય દત્ત

Thursday 25th February 2016 06:39 EST
 
 

બોલિવૂડ એક્ટર સંજય દત્ત વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાના કેસમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપસર દોષિત ઠર્યો હતો. ૧૯મી એપ્રિલ ૧૯૯૩ના રોજ પહેલીવાર તેની ધરપકડ કરાઈ હતી. એ પછી ૨૧મી માર્ચ, ૨૦૧૩ના રોજ સુપ્રીમ કોર્ટે સંજયને પાંચ વર્ષની સજા ફટકારી હતી. ૧૬મી મે, ૨૦૧૩ના રોજ સંજયે શરણાગતિ સ્વીકારી હતી અને અગાઉ કાપેલી સજા, પેરોલ અને ફર્લોને બાદ કરતાં લગભગ પોણા ત્રણ વર્ષ તેણે જેલમાં કાપવા પડ્યા હતા. દત્ત ૨૫મી ફેબ્રુઆરીએ (આજે) સવારે સાત વાગ્યે તમામ કાયદાકીય વિધિ પૂરી કરીને પુણેની યરવડા જેલમાં સજા પૂરી કરીને મુક્ત થયો હતો.

વાંધાઅરજી જેલઅધિકારીઓએ નકારી

દત્તના જેલમાંથી મુક્ત થવા સામે મુંબઈ હાઈકોર્ટમાં તેની ૪૨ મહિનાની સજા કાપવા સામે જાહેરાતની વાંધાઅરજી દાખલ કરાઈ હતી કે તેને ખાસ સુવિધા આપીને મુક્ત કરાયો છે. આ અરજી સામાજિક કાર્યકર્તા પ્રદીપ ભાલેકરે ૨૪મી ફેબ્રુઆરીએ દાખલ કરી હતી. જોકે મહારાષ્ટ્ર ગૃહ વિભાગે આ અંગે ૨૪મીએ જ જણાવ્યું હતું કે, અભિનેતા પોતાની જેલની સજા પૂર્ણ કરીને જેલમાંથી મુક્ત થશે. તેના સારા વર્તન માટે તેને ૮ મહિના ૧૬ દિવસની સજામાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત જેલ અધિકારીએ જેલમાં સંજય દત્તની ખાસ સુવિધાઓની વાતને નકારી હતી અને કહ્યું કે, દત્તને જેલ બુકના નિયમ અનુસાર જ મુક્ત કરાયો છે. તેને સ્ટાર હોવાના કોઈ પણ લાભ અપાયા નથી.

પરિવાર અને મિત્રો સંજયને લેવા આવ્યા હતા

૪૨ મહિનાનો જેલવાસ ભોગવીને જેલમાંથી બહાર આવેલા સંજયને લેવા માટે તેની પત્ની માન્યતા, પુત્ર શાહરાન અને પુત્રી ઇકરાના સહિત કેટલાક મિત્રો પુણે આવ્યા હતા. સંજય જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ધરતીને પ્રણામ કર્યાં અને જેલ પરના તિરંગાને સલામ કરી હતી. એ પછી તે પુણે એરપોર્ટ પર પહોંચ્યો હતો. પુણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા સંજયે જણાવ્યું હતું કે, મિત્રો, મુક્તિનો માર્ગ સરળ નથી. મારા ફેન્સના સપોર્ટના કારણે હું અહીં છું. દત્ત ચાર્ટર પુણે એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેનમાં મુંબઈ ભણી જવા રવાના થયો હતો. તેની સિક્યોરિટી માટે મિત્ર સલમાન ખાને મુંબઈ એરપોર્ટ પર ચાર બોડીગાર્ડ મોકલ્યા હતા. મુંબઈ આવીને સંજય દત્તે પત્ની માન્યતા સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવ્યું હતું. ત્યારબાદ માતા નરગીસની કબર પર ફૂલો ચઢાવ્યાં હતાં.

બોલિવૂડે આનંદ વ્યક્ત કર્યો

પાલિ હિલમાં આવેલા સંજય દત્તના ઘર ઈમ્પિરીયલ હાઈટ્સ બિલ્ડીંગને સંજુની ઘરવાપસીના પ્રસંગે ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને ઘરે પરિવાર તથા મિત્રોના ફોનકોલ અવિરત ચાલુ છે. સંજુની મુક્તિની ખુશીમાં બોલિવૂડના ઘણા મિત્રોએ તેને વધામણી આપી છે. સંજય સાથે મળીને ‘મુન્નાભાઇ M.B.B.S’ અને ‘લગે રહો મુન્નાભાઇ’ જેવી હિટ ફિલ્મો આપનારા ડિરેક્ટર રાજકુમાર હિરાણીએ સંજયની જેલમાંથી મુક્તિ માટે કહ્યું હતું કે, ‘સંજયના બહાર આવવાથી હું ખૂબ ખુશ છું’. તેણે અભિનેતાની આ સેકન્ડ ઇનિંગ ગણાવી હતી. તેણે મુન્નાભાઇ સીરિઝની ત્રીજી ફિલ્મ અને સંજયની બાયોપિક પર આગળ વધવાની આશા વ્યક્ત કરી હતી.

ફિલ્મમેકર મહેશ ભટ્ટે ટ્વિટ કર્યું હતું કે, Homecoming !!! Lord, I'm one, Lord, I'm two, Lord, I'm three, Lord, I'm four, Lord I'm five hundred miles ( NAAM)

જેલમાં છેલ્લા દિવસે સંજુબાબાએ શું કર્યું હતું?

પોલીસના જણાવ્યા પ્રમાણે, સંજયે જેલમાં છેલ્લા દિવસે કેદીઓ સાથે કટિંગ ચાની મજા લીધી હતી અને ‘મુન્નાભાઈ..’ના સંવાદો બોલીને કેદીઓનું મનોરંજન કર્યું હતું. જેલમાંથી છૂટતાં પહેલાં સવારે સંજુએ ગીતો ગાયા હતાં. સંજુ બહાર જવાનો હતો ત્યારે કેદીઓ એકદમ ભાવુક થઈ ગયા હતાં અને સંજુ પાસે ‘જાદુ કી ઝપ્પી’ની ડિમાન્ડ કરી હતી. સંજયે પણ તમામ સાથે સંપર્કમાં રહેવાનું વચન કેદીઓને આપ્યું હતું અને વાર્ષિક દિનની ઉજવણીમાં આવવાની ખાતરી આપી હતી.

જુર્મ કરકે કિસી કા ભી ભલા નહીં હુઆઃ મુન્નાભાઈ

સંજુબાબાએ જેલના રેડિયો જોકી તરીકે કેદીમિત્રો માટે છેલ્લો સંદેશો પણ ૨૪મી ફેબ્રુઆરીએ રેકોર્ડ કર્યો હતો કે, ‘ગુડ આફ્ટર નૂન ભાઈ લોગ! અપુન જબ તક કનેક્ટ હોંગે તબ તક મૈં જા ચૂકા હૂંગા. તુમ લોગો કે લિયે યે લાસ્ટ મેસેજ છોડ કે જા રહા હૂં. ખુશ રહેના સાથ રહેના. જુર્મ કરકે કિસી કા ભી ભલા નહીં હુઆ... સચ્ચાઈ કી રાહ પર ચલના ભાઈ લોગ...’ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સંજય દત્તનો ૨૪મી ફેબ્રુઆરીએ છેલ્લો દિવસ હતો અને એક્ટરે પોતાનો લાસ્ટ શો ભીની આંખે પૂરો કર્યો હતો. તેણે પોતાના સાથીકેદીઓ માટે પોતાની ફિલ્મ ‘નામ’નું સોંગ ‘તુ કલ ચલા જાયેગા તો મૈં ક્યા કરુંગા’ ડેડિકેટ કર્યું હતું. સંજય જેલમાં હતો ત્યારે રોજ બપોરે ૧૧થી ૧ વાગ્યાની વચ્ચે જેલમાં સાથી-કેદીઓ સાથે વાતો કરતો હતો. સંજય દત્તે રેકોર્ડ કરેલો આ રેડિયો શો ૨૫મી ફેબ્રુઆરીએ બપોરે જેલમાં બ્રોડકાસ્ટ થયો હતો.

સંજયની બચત રૂ. ૪૫૦

સંજય દત્ત જેલમાંથી છૂટીને ભલે ચાર્ટર પ્લેનમાં મુંબઈ આવ્યો, પણ સાડા ત્રણ વર્ષની સજામાં પોણા ત્રણ વર્ષ જેલમાં રહેનારા સંજય દત્તે રૂ. ૪૫૦ની જ બચત કરી છે. જેલવાસ દરમિયાન તેણે સેમી સ્કિલ્ડ વર્કર તરીકે માત્ર રૂ. ૩૮૦૦૦ કમાણી કરી છે. જેમાંથી ખર્ચને બાદ કરતાં તેની પાસે માત્ર રૂ. ૪૫૦ વધ્યા છે. આમ તેણે રૂ. ૩૭૫૫૦નો ખર્ચ કર્યો છે. યરવડા જેલના સૂત્રોના કહેવા મુજબ, સંજયને કુલ રૂ. ૩૮ હજાર મળ્યા છે, પરંતુ કેન્ટીનમાંથી જીવન જરૂરી વસ્તુઓ ખરીદવામાં તેનો ખર્ચ બાદ કરતાં તેની પાસે રૂ. ૪૫૦ વધ્યા છે.

ફર્લો અને પેરોલના દિવસ કર્યા બાદ સંજયને પહેલી સપ્ટેમ્બર ૨૦૧૫ સુધી પ્રતિ દિન રૂ. ૩૫ લેખે મહેનતાણું મળતું હતું. ત્યાર બાદ તેમાં વધારો થઈને રૂ. ૪૫ અને પછી રૂ. ૫૦ થયું હતું. સંજયને કુલ ૪૨ મહિનાના આધારે આ રકમ ચૂકવવામાં આવી છે. જેમાંથી તેના ફર્લો અને પેરોલના ૧૩૨ દિવસો બાદ કરાયા છે. જ્યારે તેણે આ અગાઉ જેલમાં પસાર કરેલા ૧૮ મહિના પણ ધ્યાનમાં લેવાયા નથી.

પેપર બેગ્સ અને એન્વેલપ બનાવી કરી કમાણી

જેલ ઓફિસરને ટાંકીને એક પબ્લિકેશને લખ્યું કે, ‘દત્તને શરૂઆતમાં ન્યૂઝપેપરમાંથી પેપર બેગ્સ બનાવવાનું કામ સોંપાયું હતું. તેને અનસ્કિલ્ડ લેબર તરીકે એક્સપર્ટ ટીમે આ કામ માટે ટ્રેનિંગ આપી હતી. આ માટે તેને ૧૦૦ પરફેક્ટ પેપર બેગ બનાવવા માટે રૂ. ૪૫ મળતા હતા. પાંચ મહિના પહેલા તેને સરકારી ઓફિસિસ માટે ખાખી એન્વેલપ બનાવવાનો ટાસ્ક અપાયો હતો. જેમાં તેને ૧૦૦૦ એન્વેલપ્સ બનાવવા માટે રૂ. ૫૦ મળતા હતા. આ ટાસ્ક માટે તેને ત્રણ-ચાર સપ્તાહનો સમય લાગ્યો હતો.

જેલમાં શું હતું રુટીન?

મુન્નાભાઈને જેલમાં ખાસ બેરેકમાં રખાયો હતો. તેણે બેરેકમાં અને જેલમાં પણ કસરત કરવાની ચાલુ રાખી હતી અને સિક્સ પેક એબ્સ બનાવ્યા હતા. બપોરે પછી સંજય યોગ અને ધ્યાનમાં વીતાવતો હતો. જેલના કાર્ય તરીકે તેને કાગળની થેલી બનાવવાનું કામ અપાયું હતું અને આ કામ માટે રોજ રૂ. ૫૦ મળતા હતા. હા સંજુ ક્યારેક ગીત ગાઈને કે જુદી જુદી ફિલ્મોવા ડાયલોગ બોલીને કેદીઓનું મનોરંજન કરતો એ ફ્રી રહેતું. સંજય જેલમાં કમ્યુનિટી રેડિયો પર જોકી હતો.

કેટલા દિવસ રહ્યો જેલમાં?

સાડા ત્રણ વર્ષની સજા માટે સંજય ૨૧મીમે ૨૦૧૩થી યરવડા જેલમાં આવ્યો હતો. સારા વર્તનના કારણે તેની સજામાંથી ૧૧૪ દિવસ ઓછા કરાયા હતા. સંજય પર નજર રાખવા માટે બે કર્મચારીઓ પણ અપોઈન્ટ કરાયા હતા.

સંજય દત્તને અગાઉ મળેલાં પેરોલઃ

  • ઓક્ટોબર, ૨૦૧૩ઃ ૧૪ દિવસ
  • જાન્યુઆરી, ૨૦૧૪ઃ ૬૦ દિવસ
  • ઓક્ટોબર, ૨૦૧૪ઃ ૧૪ દિવસ
  • ડિસેમ્બર, ૨૦૧૪ઃ ૧૪ દિવસ
  • ઓગસ્ટ, ૨૦૧૫ઃ ૩૦ દિવસ
  • કુલ સમય ૧૩૨ દિવસ

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter