શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પૂર્વ પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્નબંધને બંધાયા છે. ઓમર અબ્દુલ્લાએ શનિવારે બન્નેની તસવીર પોસ્ટ કરતાં લખ્યું, ‘કાલથી એક નવી સફર શરૂ થઈ, નિધિ.’ નિધિએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી.
ઓમરની સોશિયલ મીડિયા પરની આ પોસ્ટ બાદ રાજકીય પક્ષોના નેતાઓ અને વરિષ્ઠ પત્રકારોએ નવદંપતિને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓમરે શનિવારે નવી દિલ્હીમાં અંતરંગ મિત્રવર્તુળ માટે ડીનર યોજ્યું હતું, જેમાં 100થી પણ ઓછા લોકોને આમંત્રિત કરાયા હતા. 56 વર્ષીય ઓમરના આ આ બીજા નિકાહ છે. મૂળ કાશ્મીરી પંડિત નિધિ રાજકીય, સામાજિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરી ચૂક્યાં છે. ઓમર અબ્દુલ્લા અને નિધિના સંબંધો અગાઉ પણ અનેક વખત ચર્ચામાં રહ્યાં હતાં. ઓક્ટોબર 2024માં ઓમરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં ત્યારે તેના સમારોહમાં નિધિ પણ હાજર રહી હતી. તેમની હાજરીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયા હતાં.
નોંધનીય છે કે ઓમર અબ્દુલ્લાએ 32 વર્ષના લગ્નજીવન બાદ પહેલી પત્ની પાયલ સાથે ગત 31 જુલાઈએ જ છૂટાછેડા લીધા છે. ઓમર અને પાયલ 2011થી અલગ રહેતા હતા અને તેમનો છૂટાછેડાનો મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેઓ પરસ્પર સહમતીથી અલગ થવા અને તમામ પેન્ડિંગ વિવાદોને ઉકેલવા માટે સહમત છે. સાથે સાથે જ તેમણે એકબીજા સામે નોંધાવેલા કેસ પાછા ખેંચવાની પણ સંમતિ દર્શાવી હતી.


