ત્રણ વર્ષ અગાઉ થયેલા મુઝફ્ફરનગર રમખાણની પશ્ચાદભૂમિકા પર બનેલી ફિલ્મ ‘શોરગુલ’માં ભૂમિકા નિભાવવા બદલ અભિનેતા જીમ્મી શેરગિલ સામે ફતવો બહાર પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર, કાનપુર, ગાઝિયાબાદ અને લખનૌ ખાતે આ ફિલ્મ રિલિઝ થાય એ પહેલાં જ તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
દેશભરમાં આ ફિલ્મ આગામી શુક્રવારે રિલિઝ થવાની છે. ફિલ્મના નિર્માતાએ તાજેતરમાં કહ્યું હતું કે, જીમ્મી અને આ ફિલ્મનાં નિર્માતા સ્વતંત્રતા સિંઘ વિરુદ્ધ ખાનમ પીર બાબા કમિટિએ ફતવો બહાર પાડ્યો છે. આ ફિલ્મની નિર્માતા કંપનીએ એવું નિવેદન પણ આપ્યું છે કે, ફિલ્મના વિવાદ વિશે તેઓ ટૂંક સમયમાં યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને મળીને આ મુદ્દે યોગ્ય પગલાં વિચારી જોશે.


