લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં પહેલી જાન્યુઆરીએ રાજકીય ઉથલપાથલ શાંત પડી. સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ, મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને પ્રદેશ પ્રમુખ શિવપાલ યાદવ વચ્ચે થયેલી બેઠકમાં નક્કી થયું કે હવે બધાની સંમતિથી ઉમેદવારોની નવી યાદી જારી કરાશે, પણ આ બેઠકનો અંત નાટકીય હતો. બીજા જ દિવસે સમાજવાદી પક્ષના અધિવેશનમાં મુલાયમ સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી હટાવીને પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે અખિલેશ યાદવની નિયુક્તિ કરાઈ હતી જ્યારે પ્રદેશ પ્રમુખપદેથી શિવપાલની અને પાર્ટીમાંથી અમરસિંહની હકાલપટ્ટી કરાઈ હતી. અખિલેશે તેમની નિકટના નરેશ ઉત્તમને પ્રદેશપ્રમુખ બનાવ્યા હતા. સાંજે અખિલેશનાં ટેકેદારો સપાની ઓફિસમાં ઘૂસી ગયા હતા. બીજી બાજુ મુલાયમસિંહે અખિલેશ અને રામગાપોલનાં અધિવેશનને ગેરબંધારણીય ગણાવ્યું હતું.