નવી દિલ્હીઃ તાજમહલનો રંગ સતત ફિક્કો અને ખરાબ થવા પાછળ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ નવમી મેએ સુપ્રીમ કોર્ટને કેટલાક વિચિત્ર કારણો આપ્યા છે. તાજની દેખરેખ રાખતી આ એજન્સીએ કહ્યું કે પર્યટકોના ગંદા મોજાંના કારણે ઇમારતનો ફ્લોર ખરાબ થઇ રહ્યો છે. યમુના નદીમાં જામેલી લીલ ઊડીને તાજમહલ પર ચોંટી જાય છે અને યમુનામાં રહેલા જીવજંતુઓથી પણ તાજ ગંદો થાય છે. આ કારણોથી ઐતિહાસિક ઇમારતનો રંગ ખરાબ થઇ રહ્યો છે.
જોકે, જસ્ટિસ એમ. બી. લોકુર અને દીપક ગુપ્તાની બેન્ચે એએસઆઇને ઠપકો આપતાં દલીલો ફગાવી દીધી. તેમણે પૂછ્યું, 'શું લીલને પાંખો ફૂટી છે કે તે ઊડીને તાજમહલ પર જઇને જામી જાય છે? અને જીવજંતુઓ તો પહેલા પણ હતા તો હવે સમસ્યા કેમ ઊભી થઇ?' એએસઆઇએ કહ્યું કે પહેલા માછલીઓ તેમને ખાઇ જતી હતી. નદી પર બેરેજ બન્યા બાદ માછલીઓ નથી રહી. સ્થિર પાણીમાં લીલ જામે છે. દલીલો વાહિયાત ગણાવતાં કોર્ટે કહ્યું, 'ખરેખર તો એએસઆઇ એમ માનવા તૈયાર નથી કે તાજમહલને લઇને કોઇ સમસ્યા છે. આ જ વલણ રહ્યું તો તાજમહલની દેખરેખ માટે અન્ય કોઇ વિકલ્પ ચકાસવો પડશે.' આ તબક્કે કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે આ કામ માટે વિદેશી એક્સપર્ટ નિયુક્ત કરવાનું સૂચન વિચારણા હેઠળ છે. કોર્ટે વધુ સુનાવણી જુલાઇ સુધી મુલતવી રાખી કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે યમુના પર કેટલા બેરેજ બની રહ્યા છે? સરકારે ૪ અઠવાડિયામાં રિપોર્ટ આપવાનો રહેશે.
દલીલોથી અમે હેરાનઃ એએસઆઈ
કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એ. એન. એસ. નાડકર્ણીએ કહ્યું કે એએસઆઇએ લાપરવાહી દાખવી છે. સ્વબચાવ માટેની તેની રીતથી અમે હેરાન છીએ. જાત મહેલના સંરક્ષણ માટે વિદેશી નિષ્ણાત નિયુક્ત કરવાના કોર્ટના સૂચન અંગે અમે વિચારણા કરી રહ્યા છીએ.
આને સમસ્યા માનવી તૈયાર નહીં સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એએસઆઇ એ માનવા તૈયાર નથી કે તાજ સાથે કોઇ સમસ્યા છે. તેણે જવાબદારી બતાવી હોત તો આ સ્થિતિ ન હોત. અમે ૨૨ વર્ષ અગાઉ ૧૯૯૬માં આ મુદ્દે આદેશ આપ્યા હતા પણ આજ સુધી અમલ નથી થયો. જો એએસઆઇ આને સમસ્યા નથી માની રહ્યું તો તેને તાજના સંરક્ષણની જવાબદારી ન આપવી જોઇએ. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું છે કે તાજ માટે સંરક્ષિત ક્ષેત્રના અઢી એકરમાં લગાવેલા છોડમાંથી કેટલા જીવિત છે? સાથે જ કેન્દ્ર અને એએસઆઇ પાસેથી સદીઓ સુધી તાજના સંરક્ષણ અંગે વિઝન ડોક્યુમેન્ટ પણ માગ્યો છે.