મુસ્લિમ પક્ષકારો ક્યા ૧૦ મુદ્દા રિવ્યૂ પિટિશનમાં ઉઠાવશે?

Wednesday 20th November 2019 04:35 EST
 
 

અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદા સામે મુસ્લિમ સમુદાયના એક વર્ગે રિવ્યૂ પિટિશન કરવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત-ઉલેમા-એ-હિંદ સહિતના સંગઠનો દ્વારા થનારી આ રિવ્યૂ પિટિશનમાં આ દસ મુદ્દા કેન્દ્રસ્થાને હશે.

• મુસ્લિમ પક્ષના વકીલનું કહેવું છે કે, બાબરના કમાન્ડર મીર બાકીએ ૧૫૨૮માં બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું તે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે.
• ૧૮૫૭થી ૧૯૪૯ સુધી મસ્જિદનું ત્રણ ગુંબજવાળું ભવન અને મસ્જિદનો આંતરિક હિસ્સો મુસ્લિમોના કબજામાં હોવાનું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે તો પછી જમીન મંદિરને કેમ સોંપવામાં આવી?
• ૨૨ ડિસેમ્બર ૧૯૪૯ની રાત્રે મસ્જિદમાં બળજબરીથી મૂર્તિઓ મૂકવી ગેરબંધારણીય હતું. હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર પણ પ્રાણપ્રતિષ્ઠા વગર આ મૂર્તિઓને ભગવાન ગણી શકાય નહીં.
• બંધારણની કલમ ૧૪૨નો ઉપયોગ કરતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા વકફ એક્ટનું ધ્યાન રખાયું નહોતું. તે અંતર્ગત મસ્જિદની જમીનની અદલાબદલી અથવા ટ્રાન્સફર કરી શકાય નહીં.
• કોર્ટે સ્વીકાર્યું કે, બાબરી મસ્જિદમાં અંતિમ નમાઝ ૧૬ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ અદા કરવામાં આવી હતી. તેમ છતાં તેના ઉપર મંદિરનો દાવો શા માટે સ્વીકારવામાં આવ્યો?
• ગુંબજની નીચે પૂજાની વાત કરવામાં આવી નથી. આ સંજોગોમાં જમીન ફરીથી રામલલા વિરાજમાનને કેવી રીતે આપવામાં આવી?
• સુપ્રીમ કોર્ટે જાતે જ જણાવ્યું કે, રામ જન્મભૂમિને પક્ષકાર માની શકાય નહીં. તેમ છતાં જ્યારે ચુકાદો આપવામાં આવ્યો ત્યારે રામ જન્મભૂમિના આધારે કેવી રીતે નિર્ણય લેવામાં આવ્યો?
• સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે કાયદાકીય રીતે પણ ખોટું હતું. તો પછી મંદિરની તરફેણમાં ચુકાદો કેવી રીતે આપવામાં આવ્યો?
• કોર્ટના ચુકાદામાં કહેવાયું છે કે, હિંદુઓ સેંકડો વર્ષોથી પૂજા કરતા આવ્યા છે તેથી સમગ્ર જમીન રામલલ્લાને આપવામાં આવે છે. પરંતુ મુસ્લિમો પણ ત્યાં ઈબાદત કરતા હતા.
• માત્ર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ના રિપોર્ટના આધારે કોર્ટે સ્વીકારી લીધું કે કોઈ મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સંજોગોમાં કોર્ટનો નિર્ણય સમજથી વિપરિત લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter