મેંગ્લોરમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલમાં ધોરણ ૯માં ભણતી ૧૬ વર્ષની મુસ્લિમ વિદ્યાર્થિની ફાતિમા રાહિલાએ રામાયણની પરીક્ષામાં ભાગ લીધો હતો અને ૯૩ ટકા માર્ક્સ સાથે તે પરીક્ષામાં પ્રથમ આવી હતી. ભારતીય સંસ્કૃતિ ઇન્સ્ટટ્યુટ દ્વારા ગત નવેમ્બરમાં આ પરીક્ષા લેવાઈ હતી.
ફાતિમાએ એ સાબિત કરી દીધું છે કે, જ્ઞાનના પ્રકાશ સામે ધર્મના નામે ફેલાતો અંધકાર બાધારૂપ બનતો નથી. ફાતિમા કેરેલા-કર્ણાટક બોર્ડર પર આવેલા સુલ્લિયાપડાવુ ગામની છે. એક ખાનગી કંપનીમાં નોકરી કરતા ફાતિમાના પપ્પા ઇબ્રાહિમ મહોમ્મદે દીકરીની આ સિદ્ધિને બિરદાવતાં કહ્યું હતું કે, ફાતિમાને રામાયણ અને મહાભારત એમ બંને મહાકાવ્યોમાં ખૂબ જ રસ પડે છે. તેના એક અંકલ હિન્દુ ધર્મગ્રંથોની સમજ લેવામાં મદદ કરે છે.
ફાતિમાની મમ્મી પોતાની ઇચ્છા દર્શાવાતાં કહે છે કે, રામાયણ બાદ મહાભારત મહાકાવ્ય માટેની ટેસ્ટમાં પણ ફાતિમા ટોપ કરીને પરિવારનું નામ રોશન કરે એવી મારી અંતરેચ્છા છે.
ફાતિમાએ આ વિશે જણાવ્યું હતું કે, હવે રામાયણ પછી હું મહાભારત માટેની એક્ઝામમાં પણ ટોપ કરવા માગુ છું. તેના માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. શાળાના આચાર્ય શિવરામ એચ. ડી. એ જણાવ્યું કે, સેલ્ફ સ્ટડી કરીને સ્ટુડન્ટ્સ રામાયણ અને મહાભારત એક્ઝામમાં સામેલ થાય છે, તેના માટે અમે તેમના પર દબાણ નથી હોતું.
મુંબઈની મરિયમ ગીતા કોમ્પિટિશનની વિજેતા હતી
મુંબઈની મુસ્લિમ છોકરી મરિયમ સિદ્દીકીએ આ પહેલાં ભગવદ્ ગીતા કોમ્પિટિશનમાં બાજી મારીને બધાને ચોંકાવી દીધાં હતાં. ૧૨ વર્ષની મરિયમ કોસ્મોપોલિટન હાઈ સ્કૂલમાં આઠમાં ધોરણની વિદ્યાર્થિની છે. તેણે ઇસ્કોનની ગીતા ચેમ્પિયન લીગમાં ટોપ કર્યું હતું. એક્ઝામ પહેલા ઇસ્કોને તૈયારી માટે જરૂરી બુક્સ આપી હતી. આ પરીક્ષા જાન્યુઆરી, ૨૦૧૫માં થઈ હતી. તેમાં મુંબઈની ૧૯૫ શાળાના ૪,૫૦૦થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંખ્યાબંધ નેતાઓએ મરિયમની આ સિદ્ધિને બિરદાવી હતી.