મેઇડ ઇન ઇંડિયાઃ ફાઇટર જેટ ‘તેજસ’ એરફોર્સમાં સામેલ

Saturday 02nd July 2016 08:02 EDT
 
 

નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં ભારતે હરણફાળ ભરી છે. ઇંડિયન એરફોર્સમાં ૩૦ વર્ષના લાંબા અરસા બાદ પહેલી જુલાઈના રોજ ‘તેજસ’ ફાઇટર જેટની પ્રથમ સ્કવોડ્રન સામેલ થઇ છે. ભારતમાં વિકસાવાયેલા ‘તેજસ’ ફાઇટર જેટની બનેલી આ સ્કવોડ્રનને ‘ફ્લાઇંગ ડ્રેગર્સ’ નામ અપાયું છે. આરંભે તેજસનાં બે વર્ઝન એસપી-૧ અને એસપી-૨ સાથે બેંગ્લૂરુમાં આ સ્ક્વોડ્રનની શરૂઆત થઇ છે. આ માટે ૭ અધિકારી, ૪૨ એર વોરિયર્સ અને ૧૧ નોન-કમિશન્ડ અધિકારીને નિમણૂંક અપાઇ છે. આ સ્ક્વોડ્રનને શરૂઆતના બે વર્ષ બેંગ્લૂરુમાં રાખ્યા બાદ તામિલનાડુના સેલુર ખાતે મોકલાશે.
એરફોર્સમાં આગામી માર્ચ સુધીમાં સ્કવોડ્રનમાં વધુ છ ‘તેજસ’ સામેલ કરશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા ઘરઆંગણે વિકસાવાયેલા ‘તેજસ’ રશિયન બનાવટનાં જેટ મિગ-૨૧નું સ્થાન લેશે. એરફોર્સમાં કુલ ૧૨૦ ‘તેજસ’ વિમાન સામેલ કરવાનું આયોજન છે. આગામી વર્ષનાં અંત સુધીમાં ‘તેજસ’ને હથિયારથી સજ્જ કરતાં સંપૂર્ણ રીતે લડાયક વિમાન બની જશે. ‘તેજસ’ના વધુ ચાર વર્ઝન તૈયાર થશે.

ભારતમાં બનેલા ફાઈટર વિમાન લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ (એલસીએ) ‘તેજસ’ને શનિવારે સત્તાવાર રીતે એરફોર્સમાં પ્રવેશ અપાયો હતો. બેંગ્લૂરુ ખાતેના ઈન્ડિયન એર ફોર્સના સિસ્ટમ એન્ડ ટેસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ સેન્ટર ખાતે એરફોર્સને બે ‘તેજસ’ વિમાન સોંપાયા હતા. આ બન્ને વિમાનો એરફોર્સની ફ્લાઈંગ ડ્રેગર્સ (ડ્રેગર્સ એટલે કટાર, ઉડતી કટાર) તરીકે ઓળખાતી ૪૫મી સ્કવોડ્રનમાં શામેલ થયા છે. હાલ બે વિમાન તૈયાર થયાં હોવાથી એરફોર્સને સોંપી દેવાયા છે. બાકીના ૧૮ વિમાનો ૨૦૧૮ સુધીમાં સ્કવોડ્રનમાં સામેલ થશે.
‘તેજસ’ને એરફોર્સમાં દાખલ કરતાં પહેલા એરફોર્સના અધિકારીઓએ સર્વધર્મ પૂજા પણ કરી હતી. લશ્કરમાં કોઈ મહત્ત્વપૂર્ણ શસ્ત્ર-સરંજામનો ઉમેરો કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની પૂજા કરવાની જૂની પરંપરા છે. ઇંડિયન એરફોર્સ અત્યારે કટોકટી કાળમાંથી પસાર થઈ રહ્યું છે. વિમાનોની સંખ્યા સતત ઘટી રહી છે. વિમાની અકસ્માતો પણ વધી રહ્યાં છે. બીજી તરફ પરદેશથી ખરીદાયેલા વિમાનોની ડિલીવરી સમયસર મળતી નથી. એ સંજોગોમાં ‘તેજસ’ તૈયાર થઈને એરફોર્સમાં જોડાયું છે તે એરફોર્સ માટે ઉત્સાહજનક ઘટના છે.
‘તેજસ’ની ગણતરી જગતના સૌથી હળવા ફાઈટર વિમાનમાં થાય છે. એ ફોર્થ પ્લસ જનરેશન (જનરેશન ફોર અને જનરેશન ફાઈવ) વચ્ચેનું વિમાન ગણાય છે. એરફોર્સમાં આ પ્રકારનું કોઈ વિમાન નથી. ‘તેજસ’ને એરફોર્સમાં સામેલ કરતી વખતે કમાન્ડિંગ ઓફિસર ગ્રૂપ કેપ્ટન માધવ રંગાચારીએ સાતેક મિનિટ સુધી ઉડાવ્યું હતું. એ વખતે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. વિમાનના લેન્ડીંગ પછી કેપ્ટન રંગાચારીએ કહ્યું હતું કે મને એવું લાગ્યું કે જાણે હું આખી દુનિયાની ટોચ પર છું. જ્યારે એર ચીફ માર્શલ જસબીર વાલિયાએ જણાવ્યું હતું કે ‘તેજસ’ અમારું લાડકું વિમાન છે અને હવે આઠમી ઓક્ટોબરે એરફોર્સ ડે વખતે પણ તેને ઉડાવીશું.
‘તેજસ’ પ્રોટોટાઇપે અંદાજે ૧,૦૦૦ ટેસ્ટ ફ્લાઇટ પૂરી કરી છે. વિમાને પ્રથમ ઉડાન ૪ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભરી હતી. જેસલમેરની આગ ઝરતી ગરમીથી માંડીને લદાખની ઊંચી પહાડીઓ સુધીના પ્રદેશોમાં તેના ફ્લાઇટ ટેસ્ટ થયા છે. કુલ મળીને પોતાના વિકાસના દોરમાં આ વિમાને ૨,૫૦૦ કલાકની સફરમાં ૩,૧૮૪ વાર ઉડાન ભરી છે. પોતાનાં તમામ ઉડ્ડયન વખતે ‘તેજસ’એ ગજબની ક્ષમતાનાં દર્શન કરાવ્યાં છે.

માત્ર ૪૪ સેકન્ડમાં લાહોરઃ અનેક વિશેષતા

‘તેજસ’ની કેટલીક ખાસિયતો તેને એક ઘાતકી લડાયક વિમાનની શ્રેણીમાં મૂકે છે. તેની ૨૨૦૫ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડના આધારે જો તેને અમૃતસરથી ઉડાવવામાં આવે તો માત્ર ૪૪ સેકન્ડમાં જ તે લાહોરમાં તબાહી મચાવી શકે છે અને ૮૮ સેકન્ડમાં તે ઇસ્લામાબાદ સુધી પહોંચી શકે છે. રડારની નજરથી બચવું તે કોઇ પણ વિમાનની પહેલી જરૂરિયાત છે. ‘તેજસ’ આ ખૂબી ધરાવે છે. આમ ‘તેજસ’ શત્રુ પર હુમલો કરવા આગળ ધસમસી રહ્યું હશે ત્યારે શત્રુને તેના આગમનનો અણસાર પણ આવશે નહીં. તેજસની પાંખો ત્રિકોણીય આકારની છે. આવી ડિઝાઇનને કારણે તે કોઇ પણ દિશામાં વળાંક લઇ શકે છે. તેની ફાઇટર જેટ આવી જાય તેને પણ ‘તેજસ’ ભારે પડે તેમ છે. ‘તેજસ’ની પાંખો ૮.૨૦ મીટર પહોળી, ૧૩.૨૦ મીટર લાંબી અને ૪.૪૦ મીટરની ઊંચાઇ ધરાવે છે. તેજસ ૬૫૬૦ કિલો વજન ધરાવે છે. ‘તેજસ’ આઠ ટન સુધીનાં હથિયારનું વહન કરી શકે છે, તેમાં ૨૩ એમએમની ટ્વિન બેરલ ગનનો સમાવેશ થાય છે. આ ગન ૨૨૦ રાઉન્ડ સુધી ફાયર કરી શકે છે. તે ઉપરાંત હવામાંથી હવામાં વાર થઇ શકે તેવી મિસાઇલ્સ, ગાઇડેડ વેપન્સ, હવામાંથી જમીન પર વાર કરી શકે તેવી એન્ટિ-શિપ મિસાઇલ, કલસ્ટર બોમ્બ, અનગાઇડેડ મિસાઇલ્સ વહનની પણ તે ક્ષમતા ધરાવે છે.
૫૦ હજાર ફૂટની ઊંચાઈએ ઉડાન ભરવા સક્ષમ ‘તેજસ’ની આઠ બાજુએ હથિયાર લગાવી શકાય છે. આથી ‘તેજસ’ વેપન સિસ્ટમ વિશાળ વિસ્તારને નિશાન બનાવી શકે છે. આ ‘તેજસ’ની એક મહત્ત્વની વિશેષતા એ છે કે તે હવામાં ઊડતાં રહીને જ ઇંધણ ભરી શકે છે. આથી તેને લડાઈના મોરચે કોઈ મુશ્કેલી પડતી નથી.

પ્રોજેક્ટ સાકાર થવામાં ૩૩ વર્ષ

ભારતે સ્વદેશી ફાઈટર જેટ બનાવાનો પ્રોજેક્ટ ૩૩ વર્ષ પહેલા શરૂ કર્યો હતો. આ વિમાનનું કામ સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સોંપાયું હતું, પરંતુ અનેક પ્રકારની સરકારી અડચણોને કારણે કામગીરી નિર્ધારિત સમય અનુસાર ચાલી નહોતી. ખાસ કરીને વિદેશી વિમાનોની ખરીદીમાં જે ભ્રષ્ટાચાર થઈ શકે એ ‘તેજસ’ના કિસ્સામાં શક્ય ન હોવાથી એ વિમાનની બનાવટ અટવાતી રહેતી હતી. ૧૯૮૫માં શરૂ થયેલા પ્રોજેક્ટ હેઠળ ૧૯૯૪માં આ વિમાનો મિગ-૨૧ની જગ્યાએ સામેલ કરવાના હતાં. તેના બદલે હવે ૨૨ વર્ષ પછી પહેલું ‘તેજસ’ એરફોર્સમાં પ્રવેશ્યું છે. 

૨૦૨૨ સુધીમાં ‘તેજસ’ની ૬ સ્કવોડ્રન એરફોર્સમાં દાખલ કરવાનો સંરક્ષણ મંત્રાલયનો ઈરાદો છે. ૧૫ વર્ષ પહેલા જોકે ‘તેજસ’એ પ્રાયોગિક ધોરણે તેની પ્રથમ ઉડાન ભરી હતી. વિમાન ભારતમાં જ બન્યું હોવાથી પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ વિમાનને ‘તેજસ’ નામ આપ્યું હતું. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ (એલસીએપી) અંતર્ગત દેશમાં સિંગલ સીટર હળવા વજનનું ફાઇટર તૈયાર કરવાનું હતું અને તેના નામને મુદ્દે શોધખોળ ચાલતી હતી. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેને ‘તેજસ’ નામ આપ્યું હતું. જેનો અર્થ થાય છે ચમત્કાર.
 
‘તેજસ’નું ઉત્પાદન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરે છે. ભારત સરકાર હસ્તકની આ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ટી. સુવર્ણ રાજના જણાવ્યા મુજબ, બેંગ્લૂરુમાં એક વર્ષમાં આઠ પ્લેન બનાવી શકાય તેવું જ ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે, પરંતુ આ ક્ષમતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે સ્ટાન્ડર્ડ ઓફ પ્રિપરેશન (એસઓપી)ને સ્ટેબલ રાખશે. એસઓપીમાં પ્લેનની સાઇઝ, ડિઝાઇન અને ટેક્નિકલ સ્પેસીફિકેશનનું ધ્યાન રાખવામાં આવે છે. જ્યાં સુધી તેને ફાઇનલ નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્લેનનું સતત પ્રોડકશન ચાલુ નહીં થઈ શકે.

સ્કવોડ્રન એટલે શું?

એરફોર્સની એક સ્કવોડ્રનમાં ૧૬થી ૧૮ લડાયક વિમાન હોય છે. રશિયા દ્વારા નિર્મિત મિગ-૨૧ની ત્રણ સ્ક્વોડ્રનને એરફોર્સે ડી-કમિશન્ડ કરી દીધી છે. આથી હાલમાં સ્કવોડ્રનની સંખ્યા ૩૪થી ઘટીને ૩૧ થઈ ગઇ હતી. આ પછી રશિયન બનાવટની સુખોઈ-૩૦ એમકેઆઇ વિમાનની એક વધારાની સ્ક્વાડ્રન સામેલ થતાં સંખ્યા વધીને ૩૨ થઈ હતી. પહેલી જુલાઈથી ‘તેજસ’ની ૩૩મી સ્ક્વોડ્રનમાં સામેલ થઇ છે. 
એરફોર્સની કુલ ૩૩ સ્કવોડ્રનમાંથી ૧૧માં મિગ-૨૧ અને મિગ-૨૭ ફાઇટર વિમાનો છે. મિગ-૨૧ અને મિગ-૨૭ વિમાનો અકસ્માતોનો ભોગ બનતાં રહેતા હોવાથી ‘તેજસ’ તેમને રિપ્લેસ કરે તેવી યોજના છે. એરફોર્સને ૨૦૧૯-૨૦ સુધીમાં મિગ-૨૧ અને મિગ-૨૭ની ૧૪ સ્કવાડ્રનને ડી-કમિશન્ડ કરવી પડે તેમ છે. બીજી તરફ, પાકિસ્તાન અને ચીનને અડીને આવેલી સરહદોની સુરક્ષા માટે એરફોર્સને ૪૨ સ્ક્વોડ્રનની આવશ્યકતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter