મેઇડ ઇન ચાઇના અવળચંડાઇઃ ચીને મસૂદ અઝહર માટે વીટો વાપર્યો!

Saturday 02nd April 2016 08:20 EDT
 
 

વોશિંગ્ટનઃ કુખ્યાત આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર ભલે પાકિસ્તાનમાં બેઠાં બેઠાં ભારતમાં આતંક ફેલાવતો, પરંતુ તેના પર પ્રતિબંધ મૂકાય તે ચીન સરકારને મંજૂર નથી. જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવાની માગ સાથે ભારતે યુનાઇટેડ નેશન્સમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સમિતિના ૧૫માંથી ૧૪ સભ્યોએ ભારતના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, પણ ચીને તેના વિશેષાધિકારનો ઉપયોગ કરીને પ્રસ્તાવને રજૂ થવા દીધો નહોતો. આમ તેણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને વૈશ્વિક મંચ પર જાહેર સમર્થન આપ્યું હતું.

આતંકવાદ સામે લડી રહેલા ભારત માટે આ ઘટના આંચકાજનક છે. બીજી જાન્યુઆરીએ પંજાબના પઠાણકોટ એરબેઝ પર હુમલો થયા પછી ભારત સરકારે યુએનને પુરાવાઓ સાથેનો પત્ર પાઠવીને જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધની માગ કરી હતી. 

ભારતના પત્ર પછી યુએન જૈશ અને મસૂદ પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરવા તત્કાળ પગલાં લેવા શરૂ કર્યા હતા. પરિણામે પહેલી એપ્રિલે વોશિંગ્ટનમાં યુએનના નેજા હેઠળ યોજાયેલી પરમાણુ સુરક્ષા અંગેની બેઠકમાં જૈશ અને મસૂદ પર પ્રતિબંધનો મુદ્દો પણ શામેલ હતો. જોકે ચીને આ બેઠકમાં પ્રસ્તાવને રજૂ જ થવા નહોતો દીધો. ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને બેઠકના થોડા સમય પહેલા જ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ વિરોધી પ્રસ્તાવને રદ કરાવ્યો હતો.
એક તરફ ૧૪ દેશો, એક તરફ ચીન
ભારતનો પ્રસ્તાવ યુએનની કાઉન્ટર ટેરેરિઝમ એક્ઝિક્યુટિવ ડિરોક્ટરેટ (સીટીઈડી) પાસે ગયો હતો. સીટીઈડીએ મતાધિકાર ધરાવતા સર્વે સભ્યો અમેરિકા, ફ્રાન્સ, યુકે વગેરે સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો. મસૂદ પર પ્રતિબંધ મુકવા માટે યુએનની સિક્યુરીટી કાઉન્સિલના પાંચ કાયમી અને દસ કામચલાઉ સભ્યોમાંથી ૧૪ સભ્ય દેશો તૈયાર હતા. એકલા ચીને વીટો પાવર વાપરીને ભારતના પ્રસ્તાવને ખારીજ કરાવ્યો હતો. હાલ યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં ચીન, અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ એ પાંચ સભ્યો છે. જ્યારે બિન-કાયમી સભ્યોમાં અંગોલા, ઈજિપ્ત, જાપાન, મલેશિયા, ન્યુ ઝિલેન્ડ, સેનેગલ, સ્પેન, યુક્રેન, ઉરુગ્વે અને વેનેઝુએલા છે.
ચીનનો પાંગળો બચાવ
ચીને બાદમાં આ મુદ્દે ચોખવટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ચીને કહ્યું હતું કે અમે યુએનના કાયદા પ્રમાણે જ ચાલ્યા છીએ. અમે કોઈ ખોટી પ્રવૃત્તિને સમર્થન આપતા નથી. ચીને સમર્થન ન આપવા માટે એવું કારણ આગળ ધર્યું હતું કે અમારી પાસે સમર્થન આપવા માટે પુરતી માહિતી ન હતી. અધુરી માહિતીના આધારે અમે આવા પ્રસ્તાવને સમર્થન આપી ન શકીએ. પ્રતિબંધના મુદ્દે અમે ભારત સાથે પણ સંપર્કમાં છીએ.
ભારતનો આકરો વિરોધ
ભારતે જોકે ચીનના આ પગલાંનો વિરોધ કર્યો હતો. મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવાના ભારતના પ્રયાસોમાં અવરોધ સર્જનાર ચીનની ભારત સરકારે આકરી ઝાટકણી છે. ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજીજુએ ચીનના આ પગલાંનો વિરોધ કરતા કહ્યું હતું કે, સરકાર યોગ્ય પગલાં લેશે. ચીને યોગ્ય કામ કર્યું નથી. સરકાર જરૂરી તમામ પગલાં લેશે.
રિજીજુએ કહ્યું હતું કે ચીને આ સારું નથી કર્યું. ભારતના વિદેશ મંત્રાલયે વહેલી તકે ચીનના આ પગલાંનો વિરોધ નોંધાવવો જોઈએ એવી સલાહ પણ તેમણે આપી હતી. હકીકત એ છે કે ભારતે ચીનને મસૂદ અને જૈશ વિરુદ્ધ પ્રતિબંધ મુકવા માટે તમામ માહિતી અને ભારતમાં ફેલાતા આતંકમાં જૈશના હાથના પુરાવા આપ્યા હતા. એ પછીય ચીને આતંકવાદને સમર્થન આપવાનું પસંદ કર્યું હતું. ૨૦૦૯માં પણ અઝહર મસૂદ પર પ્રતિબંધ મુકવાની વાત આવી ત્યારે ચીને આવું જ કારણ આગળ ધર્યું હતું.

ચીનનું પગલું દુર્ભાગ્યપૂર્ણ : કોંગ્રેસ
ભારતના મુખ્ય વિપક્ષ કોંગ્રેસે ચીનના પગલાંને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં જણાવ્યું હતું કે, બદઇરાદાઓ સાથે આતંકવાદને પ્રોત્સાહન આપતાં દેશો મોટી સમસ્યા તરફ આગળ વધી રહ્યાં છે. ચીન ભારતવિરોધી વલણ અપનાવી રહ્યો છે. આજે જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો ભારતવિરોધી છે. આવતીકાલે તેઓ ચીન સામે પણ માથું ઉંચકશે. ચીને જાણી લેવું જોઇએ કે મસૂદ અઝહરને સમર્થન ચીનના હિતમાં નથી.

વીટો પાવર શું છે?
વૈશ્વિક સંસ્થા યુએનમાં એક કાઉન્સિલ છે, જે યુએન સિક્યુરિટી કાઉન્સિલ તરીકે ઓળખાય છે. આ સુરક્ષા સમિતિ ભારે શક્તિશાળી સંગઠન છે, કેમ કે તેમાં દુનિયાના અગ્રગણ્ય દેશોનો સમાવેશ થાય છે. કાઉન્સિલમાં પાંચ કાયમી, દસ બિનકાયમી સભ્યો છે. બિનકાયમી સભ્યોને વિવિધ ખંડ - પ્રદેશ પ્રમાણે ચૂંટણી દ્વારા બે વર્ષ માટે કાઉન્સિલમાં સ્થાન મળે છે. અત્યારે એ બિનકાયમી સભ્યોમાં ભારત નથી.
સિક્યુરિટી કાઉન્સિલનો કોઈ પણ નિર્ણય આખા વિશ્વને અસર કરતો હોવાથી તેના પાંચ કાયમી સભ્યોને યુએનની કલમ ૨૭ પ્રમાણે વીટો પાવર આપવામાં આવ્યો છે. એટલે કે કોઈ એક મુદ્દે પાંચમાંથી એક પણ સભ્ય સહમત ન હોય તો એ મુદ્દો આગળ વધી શકતો નથી. કાઉન્સિલ સમક્ષ રજૂ થતા પ્રસ્તાવને અટકાવવા માટે કાયમી સભ્યો વીટો પાવર વાપરી શકે છે.
ચીને અત્યાર સુધીમાં દસેક વખત જ વીટો પાવર વાપર્યો છે. સૌથી વધુ ૧૨૮ વખત રશિયાએ વીટોનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ ૮૯ વખત, બ્રિટને ૩૨ વખત, ફ્રાન્સે ૧૮ વખત વીટો પાવર દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું છે. ચીને મોટા ભાગના વીટોનો ઉપયોગ ૧૯૯૬ પછી જ કર્યો છે. ૧૭મી સદીની શરૂઆતમાં લેટિન ભાષામાં ઉદ્ભવેલા શબ્દ વીટોનો અર્થ જ અટકાવી રાખવું કે રદ કરવું થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter