નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિસ્વરી ચેનલના શો મેન વર્સિસ વાઇલ્ડમાં હોસ્ટ બેર ગ્રિલ્સ સાથે નજરે ચડશે. મશહૂર ટીવી શો મેન v/s વાઇલ્ડમાં હોસ્ટ બ્રેર ગ્રિલ્સે પીએમ મોદી સાથેના ઉત્તરાખંડના જંગલોમાં કરેલા શુટિંગની એક ક્લિપ જાહેર કરી છે. આ એપિસોડનું પ્રસારણ ૧૨ ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર થશે. ઇન્ટરનેશનલ ટાઈગર્સ ડેના અવસરે શોના સ્ટાર બેર ગ્રિલ્સે પોતાના ટ્વિટર એકાન્ટ પર આ વાતની જાણકારી આપી હતી. ગ્રિલ્સે કહ્યં હતું કે વડા પ્રધાન મોદી સાથે ભારતના વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો અંગે પોતે એક ખાસ કાર્યક્રમનું શૂટિંગ કર્યું છે. વડા પ્રધાન મોદી બેર ગ્રિલ્સ સાથે ભારતની પ્રાકૃતિક વૈવિધ્ય અને પ્રકૃતિ સંરક્ષણના ઉપાયો ચર્ચા કરતા પણ નજરે ચડશે.
બેર ગ્રિલ્સે ટ્વિટ કર્યું છે કે ૧૮૦ દેશોના લોકો ટૂંક સમયમાં જ વડા પ્રધાન મોદીની અપરિચિત બાજુથી પરિચિત થશે. ભારતમાં વન્યજીવોના જતન માટે જાગૃતિ અભિયાન અને ભૌગોલિક પરિવર્તનો માટે કેવું કામ થઈ રહ્યું છે તે જોવા મળશે. વડા પ્રધાન મોદી સાથેના મારા કાર્યક્રમનું ૧૨ ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર પ્રસારણ થશે.
મોદીનો અલગ અંદાજ
વીડિયોમાં વડા પ્રધાન મોદી ખુલ્લા મને હસતા અને ચર્ચા કરતા નજરે ચડે છે. મોદી શોમાં સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં જોવા મળે છે. તેઓ ગ્રિલ્સ સાથે એકદમ નાનકડી હોડીમાં બેસીને નદી પાર કરતા, જગંલમાં ફરતા દેખાય છે. ગ્રિલ્સ પોતાના શોમાં શિકાર અને બીજા કામો માટે જંગલમાં ઉપલબ્ધ ચીજોમાંથી હથિયાર બનાવે છે.
ઓબામા પણ શો કરી ચૂક્યા છે
ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થઇ રહેલો આ ટીવી શો મેન વર્સિસ વાઇલ્ડ દુનિયાના લોકપ્રિય શોમાંનો એક છે. આ શોમાં દુનિયાની જાણીતી હસ્તીઓ ભાગ લઈ ચૂકી છે. પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ આ શોમાં ભાગ લીધો હતો. ઓબામા અને ગ્રિલ્સે અલાસ્કન ફ્રંટિયર પર ટ્રેકિંગ કરતા શો કર્યો હતો.