મેરિટલ રેપ ગુનો છે?: દિલ્હી હાઈ કોર્ટ અનિર્ણીત, હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે

Friday 20th May 2022 06:01 EDT
 
 

નવી દિલ્હી: મેરિટલ રેપ અંગે દિલ્હી હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં નવો જ વળાંક આવ્યો હતો. બે જજની બેન્ચ દ્વારા કરવામાં આવેલી સુનાવણી આખરે અનિર્ણીત રહી હતી. મેરિટલ રેપ ગુનો ગણાય કે નહીં તે અંગે હાઈ કોર્ટના બંને જજ દ્વારા અલગ અલગ મત આપવામાં આવ્યો હતો.
જસ્ટિસ શકધરે જણાવ્યું કે, મેરિટલ રેપ બંધારણના આર્ટિકલ ૧૪નો ભંગ છે જ્યારે તેને કલમ ૩૭૫ હેઠળ પણ બળાત્કારનો જ ગુનો ગણવો જોઈએ અને પતિને સજા થવી જોઈએ. બીજી તરફ જસ્ટિસ હરિશંકરે જણાવ્યું કે, મેરિટલ રેપ કોઈ પણ કાયદાનો ભંગ નથી અને તેમાં બંધારણના પણ કોઈ આર્ટિકલનો અનાદર થતો નથી. આ સંજોગોમાં પતિને સજા કરી શકાય નહીં.
આ કેસમાં બંને જજના મત અલગ અલગ આવતા આખરે બે જજની બેન્ચ દ્વારા અરજદારોનો અંતિમ નિર્ણય માટે સુપ્રીમમાં જવા તાકીદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બે એનજીઓ અને બે લોકો દ્વારા ૨૦૧૫માં આ મુદ્દે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ૨૧ ફેબ્રુઆરીના રોજ હાઈ કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો જેની બુધવારે સુનાવણી કરવામાં આવી હતી.
મહિલાઓ સાથે અન્યાય
એનજીઓ અને બે લોકો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, આઈપીસીની કલમ 375માં જે બીજો અપવાદ છે તેમાં મેરિટલ રેપને ગુનો ગણવામાં આવતો નથી. તેના દ્વારા પરિણીત પુરુષ પોતાની પત્ની ઉપર અત્યાચાર કરે છે. ખરેખર તેને ગુનો ન ગણીને મહિલાઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. અરજદારોએ જણાવ્યું કે, આ અપવાદ દૂર કરવામાં આવે જેથી મહિલાઓનું શોષણ કરનારા પતિઓ સામે યોગ્ય પગલાં લઈ શકાય અને મહિલાઓને ન્યાય અપાવી શકાય. બીજી તરફ આ જ કેસમાં ૨૦૧૭ માં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, મેરિટલ રેપને ક્યારેય ગુનો ગણી શકાય જ નહીં. ભારત પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરી શકે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter