મુંબઇઃ મેહુલ ચોકસીએ જ્યારે ગીતાંજલિ જેમ્સની કમાન સંભાળી ત્યારે કંપનીનું ટર્નઓવર માત્ર 50 કરોડ હતું, પરંતુ પોતાની ઝડપી બિઝનેસ પોલિસી અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ દ્વારા તેણે કંપનીને અમેરિકા, દુબઈ અને ઘણા દેશો સુધી પહોંચાડી દીધી. 2006માં તેણે અમેરિકાની કંપની સેમ્યુઅલ જવેલર્સ સાથે કરાર કર્યો હતો. જેનાથી કંપનીની પહોંચ 111 સ્ટોર્સ સુધી થઈ ગઈ હતી. પણ ટૂંકા ગાળામાં જ અમીર જવાની લાલસામાં મેહુલ ચોકસી બધી હદ પાર કરી ગયો. કહેવાય છે કે તેણે હીરાની ગુણવત્તામાં બાંધછોડ કરી, તેણે બેંકો સાથે છેતરપિંડી કરી, જેમાં તેનો ભાણેજ નીરવ મોદી પણ તેની સાથે હતો. કૌભાંડ કરીને ભાગી ગયા પછી ઇડી અને સીબીઆઇએ મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ખુદ મેહુલ ચોકસીએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે જ્યારે તેણે ભારત છોડયું ત્યારે તેની પાસે 20 હજાર કરોડની સંપત્તિ હતી. પણ હવે તે લગભગ કંગાળ બની ગયો છે.