મોટા ભ્રષ્ટાચારીઓ જેલમાં, કોર્ટના ધક્કા ખાઇ રહ્યાા છેઃ વડાપ્રધાન

Wednesday 03rd April 2024 05:43 EDT
 
 

મેરઠ: લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિકના મક્કમ નિર્ધાર સાથે ભાજપે રવિવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠથી પ્રચાર અભિયાનનો આરંભ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન INDIA પર ટીકાની ઝડી વરસાવી હતી. તેમણે કહ્યું, ‘આ ચૂંટણી બે છાવણી વચ્ચેની લડાઈ છે. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે એક કેમ્પ મેદાનમાં છે. બીજા ભ્રષ્ટાચારીઓને બચાવવા મેદાનમાં છે. તેઓએ સાથે મળીને ઈન્ડી એલાયન્સની રચના કરી છે. તેમને લાગે છે કે મોદી ડરી જશે, પરંતુ મારા માટે મારો દેશ મારો પરિવાર છે. હું દેશને ભ્રષ્ટાચારથી બચાવવા માટે પગલાં લઈ રહ્યો છું એટલા માટે મોટા ભ્રષ્ટાચારીઓ જેલમાં છે. તેમને જામીન મળી રહ્યા નથી. તેઓએ કોર્ટમાં જવું પડયું છે.’
આ સભામાં તેમણે ભ્રષ્ટાચાર, કોંગ્રેસનું શાસન, કલમ 370ની નાબૂદી, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, નારીશક્તિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મફત રાશન, ગરીબો માટે કાયમી ઘર, શૌચાલય સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.
કોંગ્રેસે શ્રીલંકાને ભારતનો ટાપુ આપ્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગત કોંગ્રેસ સરકારના ખોટા કામોની સજા આજે પણ દેશ ભોગવી રહ્યો છે. આજે કોંગ્રેસનું વધુ એક દેશવિરોધી કૃત્ય સામે આવ્યું છે. કાચાથીવુ ટાપુ ભારત અને શ્રીલંકા વચ્ચે છે. રાષ્ટ્રીય સુરક્ષાના દષ્ટિકોણથી આ મહત્ત્વપૂર્ણ છે. આઝાદી પછી કોંગ્રેસે આ ટાપુ શ્રીલંકાને આપ્યો. દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે આ ટાપુ હતો. ચાર-પાંચ દસકા પહેલા કોંગ્રેસે ભારતનો એક ભાગ કાપી નાખ્યો હતો. મોદીએ તામિલનાડુના માછીમારોની ધરપકડ અને શ્રીલંકાની સેના દ્વારા તેમની બોટ જપ્ત કરવાના મુદ્દાને ટાપુ સંધિ સાથે જોડયો હતો.
તામિલનાડુ ભાજપના અધ્યક્ષે કરેલી આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે 1974માં તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુ પરનો દાવો છોડી દીધો હતો અને તેને શ્રીલંકાને સોંપી દીધો હતો. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાનના આરોપના જવાબમાં કહ્યું કે, 1974માં મૈત્રી કરાર હેઠળ કાચાથીવુ ટાપુ શ્રીલંકાને સોંપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter