નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિન એરપોર્ટ પરથી પીએમ નિવાસ પર એક જ કારમાં ગયા હતા, જે ટોયોટા ફોર્ચ્યૂનર સિગ્મા-4 કાર હતી. સામાન્ય રીતે પીએમ મોદીની કાર રેન્જ રોવર હોય છે અને પુતિન ગમેત્યાં જાય ત્યાં પોતાની હાઇટેક ઓરસ કાર સાથે લઈને જાય છે. પરંતુ બન્નેએ પરસ્પરનો વિશ્વાસ દર્શાવવા માટે પોતાની કાર પડતી મૂકીને આ કારમાં જવાનું પસંદ કર્યું હતું. નિષ્ણાતોના મતે આમ કરવા પાછળનું કારણ એ છે કે આ કાર જાપાનની કંપની ટોયોટા બનાવે છે. પશ્ચિમી દેશોને મેસેજ આપવા માટે યુરોપીયન બ્રાન્ડની કાર ટાળવામાં આવી હતી. વળી, આ ફોર્ચ્યૂનર ભારતમાં જ બની છે. પીએમ મોદીના કાફલામાં રેન્જ રોવર છે જે ટાટા મોટર્સની છે પરંતુ તે યુકેમાં બનેલી છે. મર્સિડિઝ બેન્ઝ પણ છે પરંતુ તે જર્મન છે. પુતિન યુરોપની કારમાં બેસવાનું પસંદ નથી કરતા તેમ મનાય છે.
લીમો રાઇડ રશિયા-ભારતની દોસ્તીનું પ્રતીક
ઉલ્લેખનીય છે કે રશિયા અને ભારત કોલ્ડવોરના સમયથી સારા મિત્રો રહ્યાં છે, પરંતુ બંને નેતાઓની દોસ્તીએ તેને ખાસ બનાવી છે. મોદી અને પુતિન 11 ડિસેમ્બર 2014ના રોજ પહેલીવાર મળ્યા હતા, અને ત્યારથી આ સંબંધ વર્ષ - પ્રતિ વર્ષ મજબૂત બનતો રહ્યો છે. તાજેતરમાં ચીનના શાંઘાઇ ખાતે યોજાયેલી એસસીઓની બેઠક વખતે રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદીને તેમની પર્સનલ બુલેટપ્રૂફ એરુસ સેનેટ લીમોઝીનમાં સમિટ સુધી લઈ ગયા હતા. વિશ્વભરમાં આ લીમો ડિપ્લોમસીની ખૂબ ચર્ચાઓ થઈ હતી. બાદમાં પુતિને એક ઈન્ટરવ્યુમાં આ લીમો ડિપ્લોમસી મામલે જણાવ્યું હતું કે, પીએમ મોદી સાથે કાર રાઈડ આઈડિયાનો તેમનો હતો. આ કાર રાઈડ રશિયા-ભારતની દોસ્તીનું પ્રતીક હતી.


