મોદી ઇચ્છતા હતા કે સાથે મળીને કામ કરીએ, પણ મેં નકાર્યુંઃ પવાર

Wednesday 04th December 2019 14:49 EST
 
 

મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની મહાઅઘાડી સરકાર બન્યા પછી એનસીપી પ્રમુખ શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બહુચર્ચિત મુલાકાત સંદર્ભે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ એમની સમક્ષ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ તેમણે પ્રસ્તાવ નામંજૂર રાખ્યો હતો.
એક ટીવી ચેનલની મુલાકાત દરમિયાન પવારે જણાવ્યું કે, વડા પ્રધાન મોદીએ મારી સમક્ષ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. મેં તેમને કહ્યું હતું કે આપણા અંગત સંબંધો સારા છે અને હંમેશાં રહેશે, પરંતુ સાથે મળીને કામ કરવું સંભવ નથી. આ દરમિયાન પવારે એવી અફવાઓને ફગાવી હતી જેમાં વડા પ્રધાન મોદીએ તેમની સમક્ષ રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પવારે જણાવ્યું હતું કે મને મોદી સરકારના નેતૃત્વવાળા પ્રધાનમંડળમાં સુપ્રિયા સુલેને પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ જરૂરથી મળ્યો હતો.
સુપ્રિયા, પવારના પુત્રી છે અને પૂણે જિલ્લામાં બારામતી બેઠકથી લોકસભાના સભ્ય છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના ઘટનાક્રમ વચ્ચે ગત મહિને પવારે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદી પણ ઘણી વાર શરદ પવારની પ્રશંસા કરી ચૂક્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ વડા પ્રધાન મોદીએ પવાર વિરુદ્ધ આક્રમણનીતિ અપનાવવામાં ન આવે એનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું.
શરદ પવારે ખુલાસો કર્યો હતો કે ઠાકરેના નેતૃત્વવાળી સરકારમાં અજીત પવારને શપથ ન લેવડાવવા એ પણ સમજી-વિચારીને લીધેલો નિર્ણય હતો, કારણ કે અજીતે અચાનક ભાજપને સમર્થન આપી ફડણવીસને મુખ્ય પ્રધાન બનવામાં મદદ કરી હતી અને જાતે જ નાયબ મુખ્ય પ્રધાન પદ સ્વીકારી લીધુ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter